જંબુસર,
અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના પટેલ પરિવાર માટે સમય જાણે થંભી ગયો હોય તેવી સ્થિતિ છે. આ દુર્ઘટનામાં 25 વર્ષીય સાહીલ સલીમ પટેલનું કરૂણ મોત નીપજ્યું હતું. એક વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી અને ઘરના દરેક ખૂણે આજે પણ સાહીલની યાદો જીવંત છે.
વિદેશમાં ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને ઘરેથી નીકળેલો સાહીલ હવે ક્યારેય પરત નહીં આવે એ હકીકત પરિવાર માટે આજે પણ અસહ્ય બની રહી છે. માતા-પિતા સહિત સમગ્ર પરિવાર હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી.
સાહીલના પિતા અને ભાજપના આગેવાન સલીમભાઈ ગડદુ પટેલે જણાવ્યું હતું કે, સંતાન ગુમાવવાનું દુઃખ કોઈ પણ માતા-પિતા માટે સૌથી મોટી પીડા હોય છે. એક વર્ષ પછી પણ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યો છે.
આ દરમિયાન સાહીલની બહેન શાહીસ્તા પટેલે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “ઘરમાં સૌથી નાના ભાઈને ગુમાવવાનો આઘાત અમારા પરિવાર માટે અસહ્ય રહ્યો છે. મારા માતા-પિતા આજે પણ ડિપ્રેશનની દવાઓ લઈ રહ્યા છે. એક વર્ષ વીતી ગયું હોવા છતાં તેઓ હજુ સામાન્ય જીવન જીવી શકતા નથી. ભાઈની યાદ આવતા આખું ઘર ગમગીન બની જાય છે.”
શાહીસ્તા પટેલે એર ઈન્ડિયા અને ટાટા ગ્રુપના સીઈઓ તેમજ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “દુર્ઘટના બાદ અધિકારીઓએ અમને કહ્યું હતું કે આપણે બધા એક પરિવાર છીએ. તેમણે મેડિકલ સહાય, શિક્ષણ અને નોકરી સહિતની વિવિધ મદદના વાયદા કર્યા હતા. પરંતુ આજે સ્થિતિ એવી છે કે અમારા ફોન ઉપાડવામાં આવતા નથી અને મેસેજનો પણ જવાબ આપવામાં આવતો નથી. શરૂઆતમાં અપાયેલા આશ્વાસનો હવે માત્ર શબ્દો પૂરતા જ રહ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર આજે પણ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યો છે. પીડિત પરિવારોને માત્ર સહાનુભૂતિ નહીં પરંતુ વાસ્તવિક સહાય અને જવાબદારીપૂર્ણ વર્તન મળવું જોઈએ.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
