ભરૂચ,
ભરૂચ શહેર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ સહાયતા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ભરૂચ બ્રાન્ચ, ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) ભરૂચ-અંકલેશ્વર બ્રાન્ચ, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (HMAI) ભરૂચ યુનિટ તેમજ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (RCC) ભરૂચનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
જય ઝૂલેલાલ હોસ્પિટલ, તવરા રોડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ, નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સર્જરી,સ્ત્રીરોગ, બાળરોગ, આંખના રોગ, દાંતના રોગ, ચામડીના રોગ, ગુપ્તરોગ, કાન-નાક-ગળાના રોગ, હાડકાંના રોગ, હૃદયરોગ, કિડનીના રોગ તેમજ અન્ય સામાન્ય રોગોના નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
કેમ્પ દરમ્યાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત, વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિશેષ તબીબી સલાહ અને આગળની સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.જરૂર જણાય તેવા દર્દીઓ માટે નામમાત્ર ખર્ચે આધુનિક પદ્ધતિથી ઓપરેશન અને સારવારની સુવિધા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ મેગા મેડિકલ કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના પ્રભારી દુષ્યંત પટેલ અને ઝુલેલાલ મંદિરના સંચાલક સાંઈ મનીષલાલ ઠાકુર વિષેશ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેટક ચેરમેન અનીશ પરીખ, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી અને સેક્રેટરી અક્ષર મહેતાના જહેમતથી આ મેડિકલ કેમ્પ સફળ બન્યો હતો.
આયોજકોના જણાવ્યા અનુસાર સમાજના તમામ વર્ગના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવા સરળતાથી ઉપલબ્ધ થાય અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
