નેત્રંગ,
નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલી સરકારી પ્રાથમિક શાળા પાસે સ્પીડ બ્રેકર મુકવાની તેમજ ભક્ત હાઈસ્કૂલ અને અમરાવતી નદીના બ્રિજના છેડે પડેલા જીવલેણ ખાડાઓ તાત્કાલિક પુરવાની સ્થાનિકોમાંથી માંગ ઉઠી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા છ માસથી વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગ-મકાન વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
નેત્રંગ નગરમાં આવેલી આ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના કુલ 377 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બાજુમાં આંગણવાડી પણ આવેલી છે. શાળા મુખ્ય માર્ગ પર હોવાથી દિવસ-રાત ભારે વાહનવ્યવહાર રહે છે. ખાસ કરીને ખનિજ અને રેતી ભરેલા હાઇવા ટ્રકો મોટી સંખ્યામાં આ માર્ગ પરથી પસાર થતા હોવાથી વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ શાળા શરૂ થવાના, રિસેસના અને શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવો પડે છે. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નાના-મોટા અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. સદનસીબે અત્યાર સુધી કોઈ બાળકનો જીવ ગયો નથી, પરંતુ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
આ ઉપરાંત ભક્ત હાઈસ્કૂલ નજીક તેમજ અમરાવતી નદીના બ્રિજના છેડે પડેલા ખાડાઓ પણ વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે. વરસાદી મોસમ નજીક હોવાથી આ ખાડાઓ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
માર્ગ-મકાન વિભાગ, ભરૂચના તાબા હેઠળ આવતા આ માર્ગ અંગે મદદનીશ ઇજનેર શિવપ્રસાદે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં આ વિસ્તારમાં ડામરનું કોઈ કામ ચાલુ નથી, પરંતુ કામગીરી શરૂ થશે ત્યારે સ્પીડ બ્રેકર બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી કે રાજકીય આગેવાનોના કાર્યક્રમો હોય ત્યારે રોડની કામગીરી તાત્કાલિક કરવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોની સલામતીના પ્રશ્નો લાંબા સમયથી ઉપેક્ષિત રહ્યા છે.
હવે તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વિના તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવે અને જીવલેણ ખાડાઓનું સમારકામ કરે તેવી માંગ ઉગ્ર બની છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)