ભરૂચ,
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ભરૂચ એસઓજી દ્વારા શહેર વિસ્તારમાં હોટલ, લોજ, ગેસ્ટહાઉસ અને ડોર્મેટરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમ્યાન ભરૂચ સિટી સેન્ટરમાં આવેલી બેડ એન્ડ બ્રેડ ડોર્મેટરીમાં ‘પથિક’ સોફ્ટવેર સંબંધિત નિયમોના ભંગનો મામલો સામે આવ્યો છે.
ફરિયાદ મુજબ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.એસ.સેલાણા અને એસઓજી સ્ટાફ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ ચેકિંગ માટે નીકળ્યા હતા. ચેકિંગ દરમ્યાન તેઓ સિટી સેન્ટરમાં આવેલી બેડ એન્ડ બ્રેડ ડોર્મેટરીમાં પહોંચ્યા હતા. જ્યાં રિસેપ્શન કાઉન્ટર પર હાજર ઈસમ સમસુદ્દીન બી.કે. (મૂળ વતન કેરળ) ની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે ડોર્મેટરીમાં ઉતારૂઓની નોંધ માટે રજીસ્ટર તો નિયમ મુજબ જાળવવામાં આવ્યું હતું. રજીસ્ટરમાં તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૧૦/૦૬/૨૦૨૬ દરમિયાન કુલ ૧૦૨૫ ગ્રાહકોની નોંધ કરવામાં આવી હતી. જોકે પોલીસ વિભાગ દ્વારા ફરજિયાત કરાયેલા ‘પથિક’ સોફ્ટવેરમાં આ ગ્રાહકોના આઈડી પ્રૂફ અપલોડ કરવામાં આવ્યા નહોતા.
પોલીસના જણાવ્યા મુજબ અગાઉ અનેક વખત સૂચનાઓ આપ્યા બાદ પણ સોફ્ટવેરમાં સંપૂર્ણ માહિતી અપલોડ કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. જેના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા તા. ૨૬/૦૫/૨૦૨૨ ના જાહેરનામા હેઠળ નક્કી કરાયેલા નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે સમસુદ્દીન બી.કે વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હોટલ અને ગેસ્ટહાઉસ સંચાલકોને પથિક સોફ્ટવેરમાં તમામ ઉતારૂઓની વિગત અને ઓળખપત્ર અપલોડ કરવા ફરી સૂચના આપવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)