કુ.ફલક વસાવાની સફળ ઉડાન : હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં મેળવ્યું પાંચમું સ્થાન

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

રાજપીપળા,

– રાજપીપલાની ગોલ્ડન ગર્લ ફલક વસાવાની ગગનચુંબી છલાંગ

– નર્મદાથી એશિયા સુધી: ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિકમાં ફલકની સફળ ઉડાન

– હોંગકોંગ, ચાઈના ખાતે ૨૩-૨૪ મે, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ‘બીજી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપ’ માં મેળવ્યું પાંચમું સ્થાન

– એક જ પરિવારની અનોખી સિદ્ધિ : પિતા કોચ, માતા જજ અને દીકરી ચેમ્પિયન

– ફલક વસાવાની સિદ્ધિએ ગુજરાત અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવભેર ઉજાગર કર્યું

– સંકલ્પથી શિખર સુધી પહોંચવાના દૃઢ નિશ્ચય સાથે ફલક વસાવા દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની

સફળતા ક્યારેય સંજોગોથી મળતી નથી, તે સંકલ્પ, મહેનત અને અડગ આત્મવિશ્વાસથી સર્જાય છે. આ વાતને સાચી સાબિત કરી છે નર્મદાના ડુંગરાઓમાંથી વૈશ્વિક જીન્માસ્ટિકના આકાશમાં ઝળકતો સિતારો કું. ફલક વસાવાએ.

એક સામાન્ય આદિવાસી વિસ્તારની દીકરીએ પોતાના અસાધારણ સપનાઓને પાંખો આપી આજે સમગ્ર એશિયામાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગ, ચાઈના ખાતે ૨૩ અને ૨૪ મે, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

લેવલ-૩ જીમ્નાસ્ટિક ઈન્ટરનેશનલ કોચ. ડો.હિમાન્સુ ગૌરી શંકર દવેએ જણાવ્યું હતુ કે, કુ. ફલક વસાવાની સફળતા એક દિવસમાં મળી નથી. શરૂઆતમાં સાધનોનો અભાવ હતો, યોગ્ય તાલીમની અછત હતી અને અનેક પડકારો સામે ઊભા રહેવું પડતું હતું. પરંતુ ફલકે મુશ્કેલીઓને પોતાની શક્તિ બનાવી. સવાર-સાંજની કઠોર મહેનત, ભણતર સાથે સતત પ્રેક્ટિસ અને કંઈક મોટું કરવાની જિદ્દ તેને સતત આગળ ધપાવતી રહી.

વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં એશિયન ચેમ્પિયનશીપમાં છઠ્ઠું સ્થાન મેળવનાર ફલકે વધારે મહેનત કરી, પરિણામે માત્ર બે વર્ષમાં તેણે પોતાનું પ્રદર્શન વધુ સુધારી એશિયામાં પાંચમું સ્થાન હાંસલ કર્યું. આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે સફળતા સતત સુધારાની પ્રક્રિયાનું પરિણામ હોય છે.

ફલકની સફળતા પાછળ તેના પરિવારનું અસાધારણ યોગદાન પણ છે. તેના પિતા ચંદ્રકાન્ત વસાવા ડિસ્ટ્રિક્ટ જીમ્નાસ્ટિક કોચ તરીકે સેવા આપતા શ્રીચંદ્રકાન્તભાઈની કાબિલિયત જોઈને ‘જીમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા’ એ તેમને એશિયન ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સત્તાવાર કોચ તરીકે નિયુક્ત થતા ભારતીય ટીમના કોચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, જ્યારે તેની શ્રીમતી મિકેતાબેન વસાવાએ સપ્ટેમ્બર ૨૦૨૫માં ટ્રેમ્પોલીન ઇન્ટરનેશનલ જજીંગ કોર્સની કપરી પરીક્ષા પાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર ભારતમાંથી આ પરીક્ષા પાસ કરનાર તેઓ એકમાત્ર મહિલા બન્યા હતા. એશિયન ટુર્નામેન્ટમાં જીમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી તેઓ ઇન્ટરનેશનલ જજ તરીકે હોંગકોંગ ગયા હતા. આ પરિવારની રમત પ્રત્યેની સમર્પણ ભાવના દરેક માટે પ્રેરણારૂપ છે.

કુ. ફલક વસાવાએ જણાવ્યું હતું કે, માતા-પિતા, કોચ ડો. હિમાંશુ દવે અને અન્ય માર્ગદર્શકોના સતત સહયોગથી જ તે આ મુકામ સુધી પહોંચી છે. હવે તેનું આગામી લક્ષ્ય ૨૦૩૦માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતવાનું છે.

નર્મદાના ડુંગરાઓમાંથી ઉડાન ભરનારી આ દીકરી ફલક વસાવા માત્ર એક ખેલાડી નથી, પરંતુ આત્મવિશ્વાસ, સંકલ્પ અને અવિરત મહેનતનું જીવંત ઉદાહરણ છે. તેની આ ગગનચુંબી ઉડાન દરેક યુવાનને પોતાના સપનાઓ પાછળ દોડવાની પ્રેરણા આપે છે.

પોતાના નામ ‘ફલક’ જેનો અર્થ આકાશ થાય છે. તેને સાર્થક કરતી આ દીકરી અત્યારે હોંગકોંગ સર કરીને આવી છે, પણ તેની નજર હવે વિશ્વ ફલક પર ભારતનો તિરંગો વધુ ઊંચે લહેરાવવા પર છે. સંકલ્પથી શિખર સુધી પહોંચવાની દૃઢ નિશ્ચય સાથે ફલક વસાવા આજે દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે.

ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એ સામાન્ય જીમ્નાસ્ટિક કરતાં સાવ અલગ, અત્યંત રોમાંચક અને ઓલિમ્પિક સ્તરની ઓફિશિયલ રમત છે.આ રમતમાં ખેલાડીએ સ્પ્રિંગવાળા અને મજબૂત જાળીદાર બેડ (જેને ટ્રેમ્પોલીન કહેવાય છે) પર સતત ઊંચા કુદકા મારવાના હોય છે. ખેલાડી આ ટ્રેમ્પોલીનની મદદથી હવામાં ઊંચાઈ પર પહોંચે છે, હવામાં અધ્ધર હોય તે સેકન્ડો દરમિયાન ખેલાડીએ પોતાની ક્ષમતા, સંતુલન અને ચપળતાનો ઉપયોગ કરીને હવામાં જ પલટીઓ મારવી, શરીરને અલગ-અલગ એંગલ પર વાળવું અને અદભુત કરતબો બતાવવાના હોય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે જજ દ્વારા ખેલાડીના કુદકાની ઊંચાઈ, હવામાં કરાતા કરતબો અને લેન્ડિંગની ચોકસાઈ જોઈને ગુણ આપવામાં આવે છે. આ રમત આકરી મહેનત, અજોડ એકાગ્રતા અને લોખંડી મનોબળને કેન્દ્રમાં રાખે છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!