અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલ : કાળઝાળ ઉનાળામાં પણ આદિવાસી મહિલા ખેડૂતો શાકભાજી પકવીને કરી રહી છે હજારોની કમાણી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

– સોલાર પંપ, ટપક સિંચાઈ અને ‘માંડવા’ પદ્ધતિ થકી ઉમરપાડા અને નેત્રંગના સુકા ખેતરો લીલાછમ બન્યા

એક સમય હતો જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગના આદિવાસી વિસ્તારોમાં ઉનાળો આવતા જ ખેતી અટકી જતી હતી.પાણીની તીવ્ર અછતને કારણે ખેતરો ઉજ્જડ બની જતા અને પરિવારોની આવક બંધ થઈ જતી પરંતુ આજે આ પરિસ્થિતિમાં મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે.

અદાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન અને નવીન ખેતી પદ્ધતિઓને કારણે આજે સેંકડો આદિવાસી પરિવારો કાળઝાળ ઉનાળામાં પણ શાકભાજીની ખેતી કરી રહ્યા છે. સોલાર પંપ, ટપક સિંચાઈ (ડ્રિપ સિસ્ટમ) અને વેલાવાળા શાકભાજી માટે માંડવા (ટ્રેલીસ) પદ્ધતિના સુમેળથી ખેડૂતો પાણીનો બચાવ કરીને મબલખ ઉત્પાદન લઈ રહ્યા છે.

પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અદાણી ફાઉન્ડેશને જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ્સ (JLG) ની રચના કરી અને 38 સોલાર પંપ લગાવ્યા.આનાથી 190 પરિવારોની 190 એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળ્યો છે. પાણીનો બગાડ અટકાવવા અને પાકની ગુણવત્તા વધારવા ઉમરપાડામાં 29 અને નેત્રંગમાં 32 મળીને કુલ 61 ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી.

આ ઉપરાંત, વેલાવાળા શાકભાજી ઉગાડવા માટે ઉમરપાડામાં 30 અને નેત્રંગમાં 300 ખેડૂતોને માંડવા (ટ્રેલીસ) માટે સહાય પૂરી પાડવામાં આવી. આ નાનકડા પ્રયાસે ખાસ કરીને મહિલા ખેડૂતોના જીવનમાં મોટી ક્રાંતિ લાવી છે.

ઉમરપાડાના મહિલા ખેડૂત હેમાબેન વસાવા ખુશીથી કહે છે, “પહેલાં ઉનાળામાં પાણી ન હોવાથી અમે ખેતી કરી શકતા નહોતા. પરંતુ અદાણી ફાઉન્ડેશનની મદદથી મેં માંડવા અને સિંચાઈનો ઉપયોગ કર્યો. આ ઉનાળામાં માત્ર 3 ગુંઠા જમીનમાં શાકભાજી ઉગાડીને મેં 18,500 કમાયા છે.” અન્ય મહિલાઓ જેમ કે રમીલાબેને 16,800 અને શારદાબેને 19,200 ની કમાણી કરી છે.

નેત્રંગમાં પણ આવું જ ઉત્તમ પરિણામ જોવા મળ્યું છે. ઉર્મિલાબેન, સુનંદાબેન અને દમયંતીબેને માત્ર એક-એક ગુંઠા જમીનમાં શાકભાજી વાવીને અનુક્રમે 12,500, 14,200 અને 13,800 ની નોંધપાત્ર આવક મેળવી છે.

આ વધારાની આવકથી આદિવાસી પરિવારોને તેમના ઘરખર્ચ કાઢવામાં અને બાળકોના શિક્ષણમાં મોટી મદદ મળી રહી છે.અદાણી ફાઉન્ડેશનના આ પ્રયાસોથી માત્ર ખેડૂતોની આવક જ નથી વધી, પરંતુ પાણીનો બચાવ પણ થઈ રહ્યો છે. ટેક્નોલોજી અને યોગ્ય માર્ગદર્શનના સહારે ઉમરપાડા અને નેત્રંગની આદિવાસી મહિલાઓ આજે આર્થિક રીતે આત્મનિર્ભર બનીને ગ્રામીણ વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!