ભરૂચ,
ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા 40 લાખના ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે નોંધાયેલ ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ આઈ.ટી. એક્ટની કલમ મુજબ ડિજિટલ અરેસ્ટ સંબંધિત ગુનો તા.10 જૂન, 2025ના રોજ નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલો લીસ્ટેડ આરોપી મિલનભાઈ સંજયભાઈ ચંદારાણા (ઉ.વ.23), મૂળ રહેવાસી ભરતનગર, ભાવનગરને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી મિલનભાઈ સંજયભાઈ ચંદારાણા ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ અને આરોપીની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે આરોપીએ ટેલીગ્રામ મારફતે Binance એપ્લિકેશન પર USDTમાં P2P ટ્રેડિંગ કરવાની પદ્ધતિ અંગે માહિતી મેળવી હતી. સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ કરીને USDTની ખરીદી કરવામાં આવતી હતી અને ત્યારબાદ Binance પ્લેટફોર્મ મારફતે તેને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવતું હતું. આરોપી દ્વારા ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં મેળવવા માટે તેના મિત્રોના બેંક ખાતાઓ કમિશન અથવા ભાડાના આધારે ઉપયોગમાં લેવામાં આવતા હતા. આ રીતે સાયબર ગુનાથી મેળવવામાં આવેલી રકમને કાયદેસર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આરોપી પોલીસની નજરથી બચવા માટે અમદાવાદમાં ભાડાની ગાડીઓ ચલાવતો હતો અને સતત અલગ-અલગ સ્થળોએ સ્થળાંતર કરીને નાસતો ફરતો હતો. સતત ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ ટીમે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી તેને અમદાવાદથી ઝડપી પાડયો હતો. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર નાણાકીય વ્યવહારો તેમજ અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)