ભરૂચ,
• હાંસોટના ૩ ગામોમાં ડોર ટુ ડોર ગારબેઝ કલેક્શન માટે પધાધિકારીઓની ઉપસ્થિતિમાં ઈ – વ્હીકલ લોકાપર્ણ
• હાંસોટ તાલુકાના ખરચ ગામે લોકભાગીદારી સાથે યોજાઈ સ્વચ્છતા રેલી, ગ્રામજનોએ લીધા સમૂહ શપથ
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભરૂચ જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમ” અંતર્ગત વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે.
વડાપ્રધાનશ્રીના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે તા. ૦૮ જૂન, ૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામજનોની સક્રિય ભાગીદારી સાથે સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.
કેન્દ્ર સરકારના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે, હાસોટ બ્લોકની ખરચ ગ્રામ પંચાયત ખાતે “સ્વચ્છતા સપ્તાહ” અંતર્ગત હાંસોટ તાલુકાના ૩ ગામોમાં ડોર ટુ ડોર ગારબેઝ કલેક્શન માટે જિલ્લા પંચાયત સભ્ય અને અન્ય પધાધિકારીઓની ઉપસ્થિતિમાં ઈ – વ્હીકલનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ. ગામમાં એસબીએમ કર્મીઓ દ્વારા પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા તેમજ કાપડની થેલીનો ઉપયોગ કરવા અંગે જાગૃત કરાયા હતા. આ સાથે જ, આ સ્ટોરેજ યુનિટના શેડનો વૈજ્ઞાનિક અને યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ કચરાના સુદ્રઢ વ્યવસ્થાપન દ્વારા ગામની સુંદરતા કેવી રીતે વધારવી તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ સાથે “સ્વચ્છતા સપ્તાહ” અંતર્ગત જનજાગૃતિ લાવવાના હેતુથી એક ભવ્ય સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના ચોક ખાતે એકત્રિત થયેલા તમામ ગ્રામજનોએ ગામને સ્વચ્છ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત રાખવાના “સ્વચ્છતા શપથ” લીધા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
