આમોદ, ભરૂચ
• આમોદ મામલતદાર હાજર ના હોવાથી નાયબ મામલતદાર એ. એસ. સૈયદ ને આવેદન પત્ર અપાયું.
આમોદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક લાગણીઓના સન્માનના હેતુથી ગાયને “રાષ્ટ્રીય પશુ” જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ભારત વિશ્વમાં તેની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને સહઅસ્તિત્વની ભાવના માટે ઓળખાય છે. ગાયને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સમાજમાં માતા સમાન પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. ગાય માત્ર એક પશુ નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિક લાગણીઓનું પ્રતિક માનવામાં આવે છે.
પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતની કૃષિ વ્યવસ્થા, ગ્રામ્ય અર્થતંત્ર અને પરંપરાગત જીવનશૈલીમાં ગાયનું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. દેશના મહાન સંતો, મહાપુરુષો તેમજ રાષ્ટ્રનાયકો દ્વારા પણ ગૌસંરક્ષણ અને ગૌસેવાના મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આમોદ તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સામાજિક સમરસતા, કોમી સૌહાર્દ અને પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે તેમજ કરોડો નાગરિકોની લાગણીઓને સન્માન મળશે.
સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર આ લાગણીસભર રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય કરશે, જે દેશની સાંસ્કૃતિક ધરોહર અને રાષ્ટ્રીય એકતાને વધુ બળ આપશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
