અંકલેશ્વરના સેંકડો ઉદ્યોગો ઉપર મંદી અને મોંઘવારીનો ડબલ માર : પશ્ચિમ એશિયાના યુદ્ધની સીધી અસર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર, ભરૂચ

• મોંઘા થયા નેચરલ ગેસ અને કોમર્શિયલ LPG બાદ હવે ગેસ કંપનીએ પડતા પર પાટુ માર્યું 

• મુશ્કેલી વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ વધારાની ડિપોઝીટ માંગતા વિવાદ

• વૈશ્વિક મંદીના લીધે ભરૂચની ઇન્ડસ્ટ્રીઝ માત્ર ૫૦% પ્રોડક્શન પર સમેટાઈ છે 

 • અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને ડિપોઝીટનો આદેશ મોકૂફ રાખવા કરી રજૂઆત 

ગુજરાતના સૌથી મોટા કેમિકલ હબ ગણાતા ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારની આશરે 5000 જેટલા ઔદ્યોગિક એકમો હાલમાં વૈશ્વિક મંદી, વધતા ઉત્પાદન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતી માંગ જેવી અનેક પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઉદ્યોગો પાસે વધારાની સિક્યુરિટી ડિપોઝીટ જમા કરાવવાની માંગ કરવામાં આવતા ઉદ્યોગજગતમાં ભારે નારાજગી વ્યાપી છે.

આ બાબતે અંકલેશ્વર ના ઉદ્યોગપતિ અનિષ પરીખ એ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. જૂન મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ LPG અને નેચરલ ગેસના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગો પર પહેલેથી જ વધેલા ખર્ચનો બોજો વધી રહ્યો છે.

આ દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ પોતાના ગ્રાહક ઉદ્યોગોને ઈ-મેઈલ મારફતે “એડિશનલ સિક્યુરિટી ડિપોઝીટ” ભરવા માટે સૂચના પાઠવી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે હાલના સંજોગોમાં આ નિર્ણય તેમના માટે વધુ આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. કેમિકલ મેન્યુફેક્ચરર અનિષ પરીખના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી પહેલેથી જ પડકારજનક બની ગઈ છે. આવા સમયે વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, જે સ્થાનિક ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા પર સીધી અસર કરશે. ખાસ કરીને નિકાસકારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

અન્ય ઉદ્યોગ નિષ્ણાતોના મતે વૈશ્વિક મંદી અને કાચા માલની સપ્લાય ચેઈનમાં આવેલા વિક્ષેપોને કારણે અંકલેશ્વરની મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ હાલમાં માત્ર 50 ટકા ઉત્પાદન ક્ષમતા પર કાર્યરત છે. ઉત્પાદન ઘટતાં ગેસનો વપરાશ પણ નોંધપાત્ર રીતે ઓછો થયો છે. તેથી અગાઉ જમા કરાવેલી ડિપોઝીટ કંપનીના જોખમને આવરી લેવા માટે પૂરતી હોવાનું ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો મંદીના આ સમયમાં કરોડો રૂપિયાની વધારાની ડિપોઝીટ વસૂલવામાં આવશે તો ફેક્ટરીઓમાં વર્કિંગ કેપિટલની ગંભીર અછત સર્જાશે. ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના (MSME) એકમો માટે કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની શકે છે, જેના પરિણામે રોજગારી પર પણ પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે આ મુદ્દે ગુજરાત ગેસ કંપનીને પત્ર લખીને વધારાની ડિપોઝીટની માંગ હાલ પૂરતી મોકૂફ રાખવાની રજૂઆત કરવામાં આવી છે.

હવે સૌની નજર એ બાબત પર છે કે ગેસ વિતરણ કંપની ઉદ્યોગોની આ માગણીને કેટલી ગંભીરતાથી લે છે અને વધારાની ડિપોઝીટના નિર્ણય અંગે શું વલણ અપનાવે છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!