પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ સંસદ જવા માંગી યુસુફ પઠાણ પાસે સીટ, પૂર્વ ક્રિકેટરનો સાફ ઇન્કાર

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

પશ્ચિમ બંગાળ,

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં અણધાર્યા રાજકીય પરિણામો અને પક્ષની અંદર મોટા પાયે ચાલી રહેલા આંતરિક બળવા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રિમો મમતા બેનર્જી એક બહુ મોટા રાજકીય ખેલની વ્યૂહરચના ઘડી રહ્યા છે. સૂત્રો અને મીડિયા અહેવાલો અનુસાર, મમતા બેનર્જી હવે રાજ્યના રાજકારણમાંથી રાષ્ટ્રીય સ્તરે જવા અને સંસદ ના સભ્ય બનવાની યોજના બનાવી રહ્યા છે. આ ‘પ્લાન-બી’ હેઠળ તેમણે મુર્શિદાબાદ જિલ્લાની હાઈપ્રોફાઈલ બહરામપુર લોકસભા બેઠકના ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પાસે રાજીનામું માંગ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મમતા બેનર્જીની ઈચ્છા યુસુફ પઠાણની સીટ ખાલી કરાવીને ત્યાં યોજાનારી પેટાચૂંટણીમાં પોતે ઉમેદવાર તરીકે ઉતરવાની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી માટે બહરામપુર બેઠક અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે ત્યાં ૭૦ ટકા જેટલી મુસ્લિમ વસ્તી છે, જ્યાંથી ગત લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણે કોંગ્રેસના કદાવર નેતા અધીર રંજન ચૌધરીને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. જોકે, અંદરના અહેવાલો મુજબ પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે મમતા બેનર્જીના આ પ્રસ્તાવને સ્વીકારવાની ના પાડી દીધી છે અને સાંસદ પદેથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. યુસુફ પઠાણના આ વલણથી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી ગઈ છે.

મમતા બેનર્જી દ્વારા અચાનક લેવાયેલા આ પગલા પાછળ પક્ષની અંદર લાગેલી આગ જવાબદાર હોવાનું કહેવાય છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ ટીએમસીના ધારાસભ્યો અને સાંસદો ભારે નારાજ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પક્ષના ૮૦ માંથી પ૮ જેટલા ધારાસભ્યોએ બળવો કર્યો છે અને તેમણે હાઈકમાન્ડને બાજુ પર મૂકી પોતાના અલગ નેતાની પસંદગી પણ કરી લીધી છે. બીજી તરફ લોકસભાના સાંસદોમાં પણ મોટી તૂટ થવાની અટકળો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, પક્ષ પરથી પોતાની પકડ ગુમાવી રહેલા મમતા બેનર્જી લોકસભામાં પહોંચીને કેન્દ્ર સ્તરે પોતાની તાકાત બતાવવા માંગે છે, જેથી તેઓ પક્ષને સંપૂર્ણપણે તૂટતો બચાવી શકે.

જો યુસુફ પઠાણ આવનારા દિવસોમાં રાજીનામું આપે તો પણ મમતા બેનર્જી માટે બહરામપુર જીતવું એટલું સરળ નહીં હોય. બંધારણીય નિયમો મુજબ સીટ ખાલી થયાના ૬ મહિનાની અંદર ચૂંટણી યોજવી પડે. મમતા બેનર્જી ભવાનીપુરની પરંપરાગત પીચ પર મુશ્કેલીમાં મુકાયા બાદ અને અગાઉ નંદીગ્રામમાં ભાજપના વર્તમાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સામે હારી ચૂક્યા હોવાથી તેમનો આત્મવિશ્વાસ ડગમગ્યો છે. બહરામપુરમાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરી ફરીથી મેદાનમાં આવી શકે છે અને રાજ્યમાં સત્તા પર આવેલી ભાજપ પણ મમતા બેનર્જીને ઘેરવા માટે કોઈ દમદાર ચહેરો ઉતારશે. એવામાં, યુસુફ પઠાણના બળવાખોર વલણ બાદ મમતા બેનર્જીનો આ માસ્ટર પ્લાન સફળ થશે કે ફ્લોપ, તેના પર આખા દેશની નજર ટકેલી છે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!