ભરૂચ,
એક તરફ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ ભરૂચ શહેરમાં પ્રદૂષણ અને દુર્ગંધના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર–1 વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ STP પ્લાન્ટ હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં પડેલા સ્લજ અને ગંદકીના યોગ્ય નિકાલના અભાવે વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે આસપાસ રહેતા લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દિવસ-રાત ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં શ્વાસની તકલીફ, એલર્જી અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે લોકો પોતાના ઘરમાં બારીઓ-દરવાજા બંધ કરી રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો રહેણાંક વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવાયેલ STP પ્લાન્ટ જ પ્રદૂષણ અને દુર્ગંધનું કેન્દ્ર બની જાય, તો પછી સામાન્ય નાગરિકોને સ્વચ્છ વાતાવરણ કેવી રીતે મળશે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહેણાંક વિસ્તારમાં આવેલ પ્લાન્ટને તાત્કાલિક સ્થળાંતર કરવા તેમજ દુર્ગંધ અને પ્રદૂષણ પર કાયમી નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવી છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે ભરૂચમાં ઊભી થયેલી આ સ્થિતિએ “પર્યાવરણ બચાવો”ના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા અને જવાબદાર તંત્ર સ્થાનિકોની વ્યથા સાંભળી તાત્કાલિક પગલાં ભરે છે કે પછી સ્થાનિક લોકોનો દુર્ગંધનો ત્રાસ યથાવત રહે છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

બાઈટ
સ્થાનિકો