ભરૂચ,
ભરૂચના વાલીયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગર ફેટકરીમાં ઉચાપત કેસના ફરિયાદીને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી આપવામાં આવી છે
ભરૂચના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ સુગર સહકારી સંસ્થા સાથે સંકળાયેલા આર્થિક ગોટાળા, વિશ્વાસઘાત અને ઉચાપતના મામલામાં નવો વળાંક આવ્યો છે. કેસના ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવાએ તેમને ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગણેશ સુગર સહકારી સંસ્થાના તત્કાલીન ચેરમેન સંદીપ માંગરોલા સહિતના પૂર્વ સંચાલકો સામે આર્થિક ગેરરીતિઓના આક્ષેપોને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને મામલો પોલીસ ચોપડે પણ નોંધાયો હતો. ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવાના જણાવ્યા અનુસાર, કોર્ટમાં કેસની તારીખ દરમિયાન તેમને જીવનને જોખમ તેમજ આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ અંગે તેમણે પોલીસને બે અલગ-અલગ ઘટનાઓનો ઉલ્લેખ કરીને લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે સરકારી વકીલ સાથે કોર્ટ તરફ જતાં સમયે એક ટેમ્પો દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમના ખેતરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગણેશ સુગર સહકારી સંસ્થા સાથે સેંકડો સભાસદ ખેડૂતો જોડાયેલા હોવાથી સમગ્ર મામલો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ફરિયાદીના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
