ભરૂચ,
ભરૂચ રેલ્વે સ્ટેશનને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવાના ભાગરૂપે સ્ટેશનના પ્લેટફોર્મ એક ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ ‘ડિજિટલ લોન્જ’ તેમજ ‘કન્વેન્શન સેન્ટર’ નું સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે….
ભરુચ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ડિજિટલ લોન્જમાં મુસાફરોની સુખ-સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ લોન્જ સંપૂર્ણપણે એર કંડિશન્ડ છે. જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે. આ ઉપરાંત, લોન્જમાં ખાવા-પીવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ રોજિંદા ઉપયોગમાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ પણ નિયત અને વ્યાજબી દરો પર કરવામાં આવશે. આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવતા-જતા હજારો રેલ્વે પેસેન્જરોની સુવિધામાં ધરખમ વધારો થશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે.
ભરૂચ રેલ્વે સ્ટેશનના આ મહત્વકાંક્ષી પ્રકલ્પનું લોકાર્પણ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે રીબીન કાપીને આ ડિજિટલ લોન્જ અને કન્વેન્શન સેન્ટરને જનતા માટે ખુલ્લું મૂક્યું હતું અને રેલ્વે તંત્રના આ પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું.આ ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન પ્રસંગે બી.આર.સી.ના ડી.આર.એમ. રાજુ ભુક્યા તેમજ સિનિયર ડી.આર.એમ. નરેન્દ્ર કુમાર, રેલવે સલાહકાર બોર્ડ ના સભ્ય જિતેન્દ્ર રાજપૂત રેલ્વે વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
