ભરૂચ,
ભરૂચના નેશનલ હાઇવે નં. 48 પર લુવારા ગામ નજીક આવેલી અમીકસ સ્કૂલની બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારતો ઝડપાતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, સ્કૂલ બસ વિદ્યાર્થીઓને અંકલેશ્વર ખાતે ઉતારી પરત સ્કૂલ તરફ ફરી રહી હતી. તે દરમિયાન બસ શંકાસ્પદ અને બેફામ રીતે ચલાવવામાં આવી રહી હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સામે આવતા સી-ડિવિઝન પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.સદનસીબે ઘટનાના સમયે બસમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.જોકે વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી બસના ડ્રાઈવરની આવી ગંભીર બેદરકારી સામે આવતા સ્કૂલ સંચાલનની દેખરેખ અને જવાબદારી અંગે અનેક સવાલો ઊભા થયા છે.અમીકસ સ્કૂલમાં અંકલેશ્વર સહિત વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા બસ ડ્રાઈવરોની નિયમિત ચકાસણી કરવામાં આવે છે કે નહીં અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
હાલ સ્કૂલ પ્રશાસન દ્વારા નશાની હાલતમાં ઝડપાયેલા ડ્રાઈવરને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સમગ્ર મામલે માત્ર ડ્રાઈવર સામે જ કાર્યવાહી કરવામાં આવશે કે પછી સ્કૂલ સંચાલનની જવાબદારી પણ નક્કી કરીને યોગ્ય પગલાં ભરવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
