અંકલેશ્વર, ભરૂચ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માધ્વ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “વૃક્ષો વાવી અને તેની માવજત કરી પ્રકૃતિને બચાવો” ના સંકલ્પ સાથે અંકલેશ્વર શહેરના રામકુંડ કમલમ તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી Ishwarsinh Patel સહિત અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશ અંદરીયા, કારોબારી ચેરમેન રાહુલભાઈ વામજા, નગરપાલિકાના સભ્યો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે માધ્વ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિક્ષિતા રાણા, ટ્રસ્ટી કેયુર રાણા તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વાવવામાં આવેલા વૃક્ષોની યોગ્ય માવજત કરીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જાળવણી, વૃક્ષોના મહત્વ અને ભાવિ પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવાની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના સંરક્ષણ માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
