ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન સામે ભુસ્તરશાસ્ત્ર વિભાગના દરોડા 

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં બિનઅધિકૃત રીતે થતા ખનિજ ખનન અને વહનની પ્રવૃત્તિઓને નાથવા માટે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનિજ વિભાગ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ભરૂચના ભુસ્તરશાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા તાજેતરમાં જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં આકસ્મિક તપાસ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વાહનો અને મશીનરી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા. ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ ભુસ્તરશાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા જંબુસર તાલુકાના મોજે ડાભા ગામના સીમ વિસ્તારમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. જ્યાં સાદી માટી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા એક ડમ્પર (નંબર: GJ 06 BV 7331 – ખાલી) તેમજ જે.સી.બી કંપનીનું એક એક્સેવેટર મશીન (મોડેલ નં. JCB215) સીઝ કરવામાં આવ્યું હતું. આ આશરે રૂ.૪૦ લાખનો મુદ્દામાલ જંબુસર તાલુકાના ગજેરા ગ્રામ પંચાયતની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.

તા. ૨૮/૦૫/૨૦૨૬ ના રોજ તપાસ ટીમ દ્વારા મોજે લુવારા, તા. ભરૂચ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરી ખનિજના બિનઅધિકૃત વહન બદલ ૧૩.૩૨ મે.ટન સાદી રેતી ભરેલું વાહન (નંબર: GJ 05 CW 5481) ઝડપી પાડવામાં આવ્યું હતું. આશરે રૂ. ૧૦ લાખની કિંમતનો આ મુદ્દામાલ સીઝ કરી જિલ્લા સેવા સદન, ભરૂચ ખાતે રાખવામાં આવ્યો છે.

તા. ૩૦/૦૫/૨૦૨૬ ના રોજ ભુસ્તરશાસ્ત્રીની ટીમે જંબુસર તાલુકાના મોજે ગજેરા ગામની સીમમાં રેડ કરી સાદી માટી ખનિજના ગેરકાયદેસર ખનન અને વહન બદલ એક ડમ્પર (નંબર: GJ 17 UU 8886 – ૧૫ મે.ટન) અને એક જે.સી.બી કંપનીનું એક્સેવેટર મશીન (મોડેલ નં. JCB3DX – ખાલી) ઝડપી પાડ્યું હતું. આ આશરે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી વેડચ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.

તા. ૩૦/૦૫/૨૦૨૬ ના રોજ જ તપાસ ટીમ દ્વારા ઉમલ્લા-પાણેથા રોડ પર આકસ્મિક ચેકિંગ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા ત્રણ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં (૧) GJ 06 AU 1107 (૧૫ મે.ટન સાદી રેતી), (૨) GJ 16 Z 9781 (૧૮ મે.ટન સાદી રેતી) અને (૩) GJ 09 Z 2462 (૨૦ મે.ટન સાદી રેતી) નો સમાવેશ થાય છે. આ આશરે રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે.

શુક્લતીર્થ ખાતેથી રૂ. ૨૫ લાખની કિંમતનું વાહન સીઝ: તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ ભરૂચ તાલુકાના મોજે શુક્લતીર્થ ખાતે ખનિજના બિનઅધિકૃત વહન અંગે તપાસ કરતા ૩૫ મે.ટન સાદી રેતી ભરેલું એક વાહન (નંબર: GJ 16 AY 4485) મળી આવ્યું હતું. આશરે રૂ. ૨૫ લાખની કિંમતનું આ વાહન સીઝ કરી શુક્લતીર્થ ખાતે આવેલા જય મહાકાળી સપ્લાયર્સ સ્ટોક રજીસ્ટ્રેશન વિસ્તારમાં રાખવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા ખાણ અને ખનિજ વિભાગની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે આકસ્મિક તપાસ અને કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!