ભરૂચ,
• ભરૂચ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોમાં ૧૦૦% રસીકરણ સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર સજ્જ
ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના નિર્ણય અન્વયે આગામી તા. ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ યોજાનાર રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અન્વયે ભરૂચ જિલ્લામાં પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોમાં ૧૦૦% રસીકરણ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સ્ટીયરીંગ કમિટીની આજરોજ બેઠક યોજાઈ હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્ટીયરીંગ કમિટી પલ્સ પોલિયો અભિયાનના સભ્ય સચિવશ્રીના સંકલન હેઠળ યોજાયેલી આ બેઠકમાં આગામી કાર્યક્રમને વ્યાપક સફળતા અપાવવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મુખ્યત્વે અભિયાનના સુચારુ સંચાલન માટે તમામ સ્તરે કરાયેલી વહીવટી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં કોઈ પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે વ્યાપક પ્રમાણમાં રસીકરણ બૂથ ઊભા કરવા અંગે આયોજન કરાયું હતું. પોલિયો રસીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોલ્ડ ચેઈનની યોગ્ય જાળવણી અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રસીના જથ્થાને અને ટીમોને સમયસર બૂથ સુધી પહોંચાડવા માટે જરૂરી વાહનોની વ્યવસ્થા અને તેના સુમેળભર્યા આયોજન અંગે નિર્ણય લેવાયા હતા.
આ બેઠકમાં ભરૂચ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ (TDO) અને આરોગ્ય શાખાના અધિકારી-કર્મચારીશ્રીઓ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી જોડાઈને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું, જેથી સ્થાનિક કક્ષાએ માઇક્રોપ્લાનિંગ કરીને આ અભિયાનને સો ટકા સફળ બનાવી શકાય.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)