ભરૂચ,
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સર્જાતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જીઈબી કચેરીનો ધેરાવો કરી વિરોધ નોંધાવ્યો હતો.
વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મુંડા ફળિયા, ખાટકીવાડ, ડભોઈયાવાડ, મદીના પાર્ક સહિતના વિસ્તારોના રહેવાસીઓ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓએ પાંચ બત્તી સ્થિત જીઈબી કચેરી ખાતે પહોંચી અધિકારીઓનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અસહ્ય ગરમી અને ધગધગતા તાપ વચ્ચે સતત વીજળી ગુલ થવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં વધતા વીજ લોડને પહોંચી વળવા નવી ડીપી સ્થાપવાની જરૂરિયાત હોવા છતાં વીજ કંપની દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. લોકોના વિરોધને પગલે અધિકારીઓએ પોલીસને કચેરીએ બોલાવી પરિસ્થિતિ સંભાળી હતી. જીઈબીના અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેમજ નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
