બોડેલી, છોટાઉદેપુર
• ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક એ.બી. જાડેજાને ભાવભીની વિદાય
છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં છેલ્લા છ વર્ષથી સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા એ.બી. જાડેજાની જાહેર સેવા અંતર્ગત બદલી થતાં તેમના માનમાં ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો.
છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરી તથા એસોસિએશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ખનીજ વિભાગના અધિકારીઓ, વિવિધ લીઝધારકો, સ્ટોક ધારકો તેમજ લીઝ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જાડેજા સાહેબે પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાપૂર્વક અને પારદર્શક રીતે કામગીરી કરી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.
વિદાય સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જાડેજા સાહેબ સાથેના પોતાના અનુભવો વહેંચ્યા હતા અને તેમના સકારાત્મક વલણ, સરળ સ્વભાવ તથા જવાબદાર કામગીરીની પ્રશંસા કરી હતી. લીઝધારકો અને સ્ટોક ધારકોએ જણાવ્યું હતું કે જાડેજા સાહેબે હંમેશા સૌને સહયોગી અભિગમથી માર્ગદર્શન આપ્યું હતું, જેના કારણે વિભાગ અને સંબંધિત લોકો વચ્ચે સારો સંવાદ જળવાઈ રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન લીઝ એસોસિએશન દ્વારા એ.બી. જાડેજાનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદાય પ્રસંગે એ.બી. જાડેજાએ પણ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં મળેલો સહકાર અને સ્નેહ તેઓ હંમેશા યાદ રાખશે. કાર્યક્રમ અંતે સૌએ તેમને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી હતી.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર
