દહેજ, ભરૂચ
દહેજ ખાતે આવેલી એક કંપનીમાં કામ કરતા કામદારો ભારતીય મજદૂર સંઘ સંચાલિત કર્મચારી સંઘ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કામદારોનો આક્ષેપ છે કે કંપનીના સંચાલકો દ્વારા યુનિયનની પ્રવૃત્તિઓ તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને શાંતિથી કામ કરતા કર્મચારીઓ પર વિવિધ રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે.
માહિતી મુજબ તારીખ 23/05/2026ના રોજ કંપનીની શિફ્ટ પૂર્ણ થયા બાદ કામદારોને મૂકવા જતી બસને માંડવા ઓવરબ્રિજ પાસે રોકવામાં આવી હતી. આ દરમિયાન કંપનીમાં જ કામ કરતા પ્રિન્સ રાય તથા તેના અન્ય બે થી ત્રણ સાગરીતો દ્વારા બસ રોકી જયેશ દેવરે સાથે દાદાગીરી કરી ગાળો બોલી મારામારી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ બસમાં બેઠેલા અન્ય કામદારોને પણ ધમકાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર બનાવ અંગે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે કામદારો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કામદારોના જણાવ્યા મુજબ પ્રિન્સ રાય અગાઉ પણ પોલીસ ચોપડે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હોવા છતાં કંપની દ્વારા તેને નોકરી પર રાખવામાં આવ્યો છે, જેના કારણે કંપનીમાં કામ કરતા અને શિફ્ટમાં અપડાઉન કરતા કામદારોમાં ભયનો માહોલ સર્જાયો છે. કામદારોનો આક્ષેપ છે કે કંપની સંચાલકો દ્વારા જાણબૂઝીને આવા વ્યક્તિઓને રાખી કામદારોમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે કંપની દ્વારા સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ પણ પ્રિન્સ રાય અને તેના સાગરીતો સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ ભરૂચ જિલ્લાના આગેવાનો આવતીકાલે ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરનાર છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
