ભરૂચ,
ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ દ્વારા હવે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારની દરેક હલચલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ભૂલ થતાં જ તરત સ્ક્રીન પર પરિણામ દેખાઈ જાય છે અને ઉમેદવારના મોબાઈલમાં મેસેજ પણ પહોંચી જાય છે.
આ સમગ્ર પ્રક્રિયાનું કંટ્રોલ રૂમથી લાઈવ મોનીટરીંગ કરવામાં આવે છે. જ્યાં કર્મચારીઓ ટેસ્ટ ટ્રેક પર ચાલતી કાર અને બાઈકની દરેક એક્ટિવિટી ઉપર નજર રાખી રહ્યા છે. કંટ્રોલ રૂમમાં ઉમેદવારનો ફોટો, નામ, કયા સિગ્નલ પર ભૂલ થઈ અને કયા કારણસર ફેલ થયો તેની તમામ માહિતી તરત જ ડિસ્પ્લેમાં જોવા મળે છે. ટેસ્ટ પહેલા દરેક અરજદારને એલસીડી સ્ક્રીન પર ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપવો તેનો માર્ગદર્શક વીડિયો ફરજિયાત બતાવવામાં આવે છે. ત્યારબાદ ફોટો વેરિફિકેશન કરવામાં આવે છે અને એક ખાસ ટેગ વાહન સાથે જોડવામાં આવે છે જેથી એઆઈ સિસ્ટમ ટેસ્ટ દરમિયાન તમામ માહિતી ટ્રેક કરી શકે. ટેસ્ટ દરમિયાન જો ઉમેદવાર સમય મર્યાદા કે ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન ન કરે તો સિસ્ટમ તરત જ તેને ફેલ જાહેર કરી દે છે. આ સંપૂર્ણ ટ્રેક પર 25 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાં 15થી વધુ એઆઈ આધારિત કેમેરાનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નવી સિસ્ટમથી લોકોમાં યોગ્ય ડ્રાઇવિંગ કૌશલ્ય વિકસશે અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની ટેવ પડશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
