ભરૂચ,
અંકલેશ્વરના મહિલા ધારાશાસ્ત્રી અને ભાજપ મહિલા મોરચાની જિલ્લા મંત્રી તરીકે તાજેતરમાં નિમણૂંક પામેલ નયના વકીલે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી વિરુદ્ધ બદનક્ષી અને અપમાન અંગે કાયદેસરની નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નયના વકીલે જણાવ્યું હતું કે પક્ષમાં લાંબા સમયથી આપેલ યોગદાનના આધારે તેમની જિલ્લા મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને તેઓ પક્ષના આદેશ મુજબ કામગીરી કરતા હતા. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષના નીતિ-નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે જિલ્લા અધ્યક્ષ દ્વારા કોઈ બંધારણીય પ્રક્રિયાનું પાલન કર્યા વગર અચાનક સસ્પેન્શન લેટર તૈયાર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કાર્યવાહીથી તેમની જાહેર છબી અને માન-સન્માનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ મહિલાઓને સન્માન અને અધિકાર આપવાની વાત કરે છે, પરંતુ જિલ્લા સ્તરે મહિલાઓ વિરુદ્ધ અન્યાયપૂર્ણ વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નયના વકીલના જણાવ્યા મુજબ, ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પ્રદેશના નિયમોનું ઉલ્લંઘન કરી મનપસંદ વ્યક્તિઓને ટિકિટો અને હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા. તેઓએ આરોપ મૂક્યો હતો કે હવે તેમને ખોટી રીતે ટાર્ગેટ બનાવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સસ્પેન્શન પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ મામલે નયના વકીલે વકીલ મારફતે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સામે કાયદાકીય નોટિસ પાઠવી સસ્પેન્શન પત્ર પરત ખેંચવા, જાહેર માફી માંગવા તેમજ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા માંગણી કરી હતી. જોકે નોટિસનો સંતોષકારક જવાબ ન મળતા હવે જરૂરી પુરાવાઓ સાથે પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો ઉચ્ચ કક્ષાએથી ન્યાય નહીં મળે તો જિલ્લા પ્રમુખ ઉપરાંત સસ્પેન્શન પત્ર સોશિયલ મીડિયા પર પ્રસારિત કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મહિલાઓ પ્રત્યે અન્યાયના આક્ષેપોને આધારે જિલ્લા પ્રમુખને પદ પરથી દૂર કરવાની માંગ સાથે પણ પ્રદેશ સ્તરે રજૂઆત કરાશે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)