ભરૂચ,
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ આગેવાનો તેમજ આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ એસસી-એસટી સમાજના હકો અને અનામત અધિકારોની રક્ષા કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખપદે બેસાડવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ અપાયો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના વિરુદ્ધ હોવાનું જણાવાયું છે.
કોંગ્રેસ આગેવાન જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યા મુજબ આવા નિર્ણયોના કારણે ભવિષ્યમાં ગુજરાતના એસસી- એસટી સમાજના શિક્ષણ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વ પર સીધી અસર પડી શકે છે. રાજ્યપાલે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)
