પાનોલી, ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાંથી ડુપ્લીકેટ ખેતીવાડીની દવાઓ બનાવતી એક કંપની ઝડપાઈ હોવાની ચર્ચાએ ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ, પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રશાંત એગ્રીક નામના કારખાનામાંથી ડુપ્લીકેટ ખેતીવાડીની દવાઓનો જથ્થો ઝડપાયો હતો. દરોડા દરમિયાન યુપીએલ કંપનીના કન્ટેન ધરાવતી દવાઓ સહિત અંદાજે 4 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સમગ્ર મામલે પાનોલી પોલીસે કંપની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડુપ્લીકેટ દવાઓના ઉત્પાદન અને વેચાણ પાછળ અન્ય કોઈ નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાએ ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોમાં પણ ચિંતા ફેલાવી છે.
