છોટાઉદેપુર,
• જિલ્લાની નદીઓમાં ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે પાસા હેઠળની કાર્યવાહી પણ થઈ શકે છે
છોટાઉદેપુર જિલ્લામાં કુદરતી સંસાધનોના ગેરકાયદેસર ખનન અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા રેવન્યુ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેત ખનન સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ હેતુસર બે વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રાંત અધિકારી છોટાઉદેપુર મુસ્કાન ડાગર, જિલ્લા પુરવઠા અધિકારી એન. એફ. વસાવા તથા નાયબ મામલતદાર રવિ પઢિયાર સહિતના અધિકારીઓએ ખાણ-ખનિજ વિભાગની ટીમ સાથે સંયુક્ત રીતે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત લાખો ટન રેતીના ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કરવામા આવ્યો.
આ વિશેષ અભિયાન દરમિયાન ભૂમાફિયાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી પત્રકાર પરિષદમાં આપતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને જણાવ્યું હતું કે, ૦૮/૦૫/૨૦૨૬ના રોજ તેજગઢ વિસ્તારમાં અને તા. ૧૦/૦૫/૨૦૨૬ના રોજ સંખેડા વિસ્તારમાં ભૂ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તા. ૦૮/૦૫/૨૦૨૬ના રોજ તેજગઢ, તા. છોટાઉદેપુર ખાતે આવેલ (૧) પઠાણ ઇમરાનખાન અબ્દુલ મજીદ તથા (૨) રસિકભાઈ મોતીભાઈ રાઠવાના સ્ટોકયાર્ડ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને સ્ટોકયાર્ડ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ તથા નિકાસ થયેલ હોવાનું જણાતા કુલ રૂ. ૩૧,૦૦,૭૪૧/- ની દંડકીય વસૂલાત માટે નોટીસ આપવામાં આવી હતી. તેમજ બંને સ્ટોક રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
તેઓએ આ અભિયાનની વધુ જાણકારી આપતા કહ્યું કે, તા. ૧૦/૦૫/૨૦૨૬ના રોજ ઓરસંગ નદીપટ્ટ વિસ્તાર, રતનપુર(ક), તા. સંખેડા ખાતે ગુપ્ત તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર રેતખનનમાં સંડોવાયેલા કુલ ૦૩ મશીનો સીઝ કરવામાં આવ્યા હતા. રતનપુર(ક) ગામ ખાતે સરકારશ્રીના નિયમો અનુસાર રતનપુર(ક) બ્લોક-ડી મંજૂર થયેલ હતું તેમજ ત્યાં એક લીઝ કાર્યરત છે. ઉપરાંત સદર વિસ્તારમાં કુલ ૦૨ રેતી સંગ્રહના સ્ટોક મંજૂર થયેલ છે, જે તમામની માપણી દરમિયાન મંજૂર બ્લોક-ડી વિસ્તાર સિવાય અંદાજે ૨૦ હેક્ટર સરકારી જમીનમાં કુલ ૩,૯૪,૧૦૫ મેટ્રિક ટન સાદી રેતીનું બિનઅધિકૃત ખનન થયેલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે અંદાજિત દંડકીય રકમ રૂ. ૯.૪૫ કરોડ તથા પર્યાવરણીય વળતર રૂ. ૩.૮૭ કરોડ મળી કુલ રૂ. ૧૩.૩૨ કરોડની વસૂલાત કરવાની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ ખાણ અને ખનીજ વિભાગને સંપૂર્ણ માપણી કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા તેમજ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને કુદરતી સંસાધનોની જાળવણીએ પ્રાથમિકતા છે. જિલ્લાની નદીઓને પુનર્જીવિત કરવા માટે પણ આગામી સમયમાં વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ સઘન ચકાસણી અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેમ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : ઝહીર સૈયદ, બોડેલી – છોટાઉદેપુર
