ભરૂચ,
– ૫ જુગારીઓને ઝડપી પડાયા તો ૫ ફરાર થયા : બી ડિવિઝન પોલીસ ઉંધતી ઝડપાઈ
– ૪૫, ૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ભરૂચ શહેરના ફુર્જા રોડ પર આવેલી નારીયેલી બજારમાં જુગારની ક્લબ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે દરોડો પાડી શકુનિઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ૫ આરોપીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા છે જ્યારે અન્ય ૫ જુગારીયાઓ પહેલા માળની બારી માંથી કૂદી ભાગવામાં સફળ રહ્યા હતા.
મળતી વિગત મુજબ ભરૂચ LCB ના એ.એસ.આઈ સંજયભાઈ રાયજીભાઈ અને તેમની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન તેઓને બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે ભરૂચ ફુર્જા રોડ નારીયેલી બજાર ખાતે આવેલ ઈશાનખાન સમીયઉલ્લા પઠાણના ઘરના પહેલા માળે પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાડાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પોલીસ અધિક્ષક ભરૂચની કચેરી માંથી જુગાર ધારા કલમ-૬ મુજબનું સર્ચ વોરંટ મેળવી બાતમીવાળી જગ્યાએ રેઈડ કરવામાં આવી હતી.
ભરૂચના ફુર્જા રોડ પર ધમધમતા આ જુગારધામ અંગે સ્થાનિક પોલીસ તંત્ર અજાણ હતું? તે પ્રશ્ન ઉઠ્યો છે કારણ કે સ્થાનિક પોલીસ મથકની હદમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર દરોડો પાડવાથી આરોપીઓને મુદ્દામાલ ઝડપી પાડવાની સમગ્ર કામગીરી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે પાર પાડી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનગી વાહનમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ રેઇડ કરી હતી અને ઘટનાસ્થળેથી જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસ અને પંચોની ટીમે જ્યારે ઘરના પહેલા માળે ખુલ્લા દરવાજા માંથી પ્રવેશ કર્યો ત્યારે રૂમમાં જમીન ઉપર પાથરણું પાથરીને આશરે ૧૦ જેટલા ઈસમો કુંડાળું વળીને જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસની રેઈડ જોતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કેટલાક ઈસમો પહેલા માલની બારી માંથી કૂદી ભાગવા લાગ્યા હતા. પોલીસે સ્થળ પરથી અબ્દુલ ખાલીક ગુલામ રસુલ શેખ (ઉ.વ.૫૩),આકીબ મોહમદ ફરીદ (ઉ.વ. ૩૪),રાજેશભાઈ પ્રહલાદભાઈ ગડરીયા (ઉ.વ. ૩૫)
સલીમ હુશેન કુરેશી (ઉ.વ. ૫૮),રાહુલ ચંદ્રશેખર વસાવા (ઉ.વ. ૨૯) ને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા તો બીજી તરફ પોલીસને ચકમો આપો સલકીન ઈરફાન નાનુ (રહે.મદિના હોટલ- ભરૂચ), સલીમ ઉર્ફે નાન (રહે.ફુર્જા નારીયેલી બજાર) અન્ય ત્રણ અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા.
બી ડિવિઝન પો.સ્ટે. માં ૧૦ લોકો સામે ગુનો નોંધાયો પોલીસે પકડાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી રોકડ સહીત કુલ રૂપિયા ૪૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભરૂચ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તમામ ૧૦ આરોપીઓ વિરૂદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની આગળની કાયદેસરની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રણાલસિંહ વિજયસિંહ લાકોડ ચલાવી રહ્યા છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)