આમોદ, ભરૂચ
ગઈકાલે બનેલી નિર્દય હત્યાની ઘટનામાં આરોપી સાહિલ રણજીત ચૌહાણને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આમોદ પોલીસે નોંધપાત્ર કાર્યક્ષમતા બતાવી છે. ભરૂચ એલસીબી સાથે સંકલન કરીને પોલીસે આમોદ હોટલ સમા નજીક, જ્યાં રેલવે વિભાગનું કામ ચાલુ હતું તે વિસ્તારમાં માટીના ઢગલા પાસે સંતાયેલા આરોપીને ઝડપી પાડી કાયદાની ઝપેટમાં લીધો હતો.
આજે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ, જ્યાં મહેમુદ મહંમદ મહેદાની ક્રૂર હત્યા કરવામાં આવી હતી, તે સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસ હાજરીમાં અને ફોરેન્સિક ટીમની પ્રક્રિયા સાથે ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તપાસને વૈજ્ઞાનિક દિશા આપવા અને પુરાવાઓને મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ સમગ્ર ઓપરેશન આમોદ પોલીસની ઝડપી કાર્યવાહી, ચોક્સાઈ અને કાયદો-વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું દ્રષ્ટાંત છે. ગંભીર ગુનામાં આરોપીને ઝડપથી કાયદાની પકડમાં લાવી અને ત્યારબાદ ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવવું—તપાસની દિશામાં એક સશક્ત અને પ્રશંશનીય પગલું ગણાય છે. સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈ વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટ : સાજીદ સૈદા (માલીક, મુદ્રક, પ્રકાશક)




