વંથલી, જૂનાગઢ
વંથલી તાલુકાના ટીકર નજીક ઓજત નદીમાં ડૂબતા 3 વ્યક્તિને બચાવવા આર્મી જવાને પોતાના પ્રાણની આહુતિ આપી હતી. તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ફરજ પરથી રજા પર વતનમાં આવેલા વંથલી તાલુકાના ટીકરના વતની આર્મી જવાન મિત્રો અને સંબંધીઓ સાથે નદીએ નહાવા ગયા ત્યારે ત્રણ યુવકોને ડૂબતા જોઈને તેમણે તે ત્રણેય ને તો બચાવી લીધા હતા પરંતુ જવાન પોતે ઉંડા પાણીમાં ગરક થઇ જતા જીવ ગુમાવ્યો હતો. અન્યોને ઉગારવા તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.
બે વ્યક્તિનેડૂબતાબચાવ્યા પણ પોતે ઊંડા પાણીમાંથી ન નીકળી શક્યા, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ
આ અંગેની વધુ વિગત મુજબ મૂળ વંથલી તાલુકાના ટીકર ગામના અને હાલ જૂનાગઢ ના મધુરમમા આવેલા સુદામા પાર્કમાં રહેતા તેમજ ભારતીય સેનાના ફરજ બજાવતા ભરતભાઈ લક્ષ્મણભાઇ ભેટારીયા ( ઉ.વ.33 ) હાલ રજા પર આવ્યા હતા વતન ટીકરમાં હતા ત્યારે પીયુષભાઇ જીગ્નેશભાઇ ડેર ભૌતિક ભાઈ મહેશભાઇ ઓજત નદીમાં નહાવા ગયા હતા તે સમયે મહેશભાઇ અને ભૌતિકભાઇ નદીમાં ડૂબવા લાગતા આર્મી જવાન ભરતભાઈ અને જીગ્નેશભાઈ બચાવવા ગયા હતા ભરતભાઈ એ ડૂબતા બંને વ્યક્તિને બચાવી લીધા હતા પરંતું ભરતભાઇ પોતે ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતાં અને તેઓનું ડૂબી જવાથી મોત થયુ હતું.
આમ ત્રણ વ્યક્તિને બચાવવામાં આર્મી જવાને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. આ બનાવથી સમગ્ર પંથકમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ગઈ કાલે આર્મીના જવાનોએ આવીને સેનાના જવાન ભરતભાઈ ભેટારીયાને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું ત્યાર બાદ અંતિમવિધિ થય હતી. અંતિમવિધિમાં આસપાસના ગામના લોકો ઉપરાંત કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા , ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી સહિતના આગેવાનો જોડાયા હતા.





