બોડેલી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં કાર ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બોડેલી S.T. ડેપો પાસે આવેલી નુરાની મસ્જિદ સામે એક વ્યક્તિએ પોતાની ઈકો કાર રાત્રિના સમયે પાર્ક કરી હતી. પરંતુ મધરાત બાદ અંદાજે ચાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમો કાર ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવી છે.
સ્થળ પર લગાવેલા CCTV કેમેરાના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલાક શખ્સો શાંતિથી આવીને કાર ઉઠાવી જતા નજરે પડે છે. હાલ આ દ્રશ્યો પોલીસના હાથ લાગ્યા છે અને તેની તપાસ ચાલુ છે.
કાર માલિકે તરત જ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ચોરાયેલી ઈકો કાર વહેલી તકે શોધી આપવાની વિનંતી કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે ચોરોની ઓળખ માટે તજવીજ શરૂ કરી છે તેમજ આસપાસના વિસ્તારના ચેકપોસ્ટો અને પ્રવેશદ્વાર પર સૂચના મોકલી દીધી છે.
આ બનાવને પગલે શહેરના વેપારી વર્ગ અને રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. પોલીસ દ્વારા નાગરિકોને પોતાના વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરવા અને રાત્રિના સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી, જેતપુર પાવી, છોટાઉદેપુર




