ભરૂચ,
ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો જેમાં શાંતિ સમિતિના સભ્યો, લોક પ્રતિનિધિઓ, અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારોના નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોમાં ઉભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી.
નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા, માર્ગ સલામતી, ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે. આ અવસરે ભરૂચના એસસી/એસટી સેલના ડીવાયએસપી ડો. અનિલ સિસારા, એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા, પીએસઆઈઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. લોક દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો, જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો.





