રાજપીપલા
– એકતાનગર ખાતે આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોમ્બરે એક્તા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે
– વિવિધ સ્થળ વિઝીટ કરી હેલીપેડ, પાર્કિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમ વ્યુ પોઇન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ, વેલી ઓફ ફ્લાવર અને પ્રકાશપર્વ ટનલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતુ
– સરદાર પટેલ સાહેબની પ્રતિમાની પદપૂજા કરી પુષ્પાંજલિ અર્પી SOU ખાતે પધારેલા પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો
ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોશી (આઈ.એ.એસ) આજે તા.૧૨-૧૦-૨૦૨૫ ના રોજ બપોરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વી.આઈ.પી સર્કિટ હાઉસ એક્તાનગર ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, ડી.સી.એફ અગ્નિશ્વર વ્યાસ અને નર્મદાના નાયબ વન સરંક્ષક દ્વારા બુકે આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે આગામી તા.૩૦ અને ૩૧ ઓક્ટોબર, ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા પોલીસવડા વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી ચીફ સેક્રેટરીશ્રીને આપવામાં આવી હતી.સાથે સાથે પાર્કિંગ, ટ્રાન્સપોર્ટેશન અને લોકાર્પણ,ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્રતયા સુચારૂ કાર્યક્રમ અંગે ચીફ સેક્રેટરી પંકજ જોશીએ વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી.મુકેશપુરીએ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રકાશપર્વ તેમજ આરંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બે દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.જેમાં પાર્કિંગ, ટ્રાફિક નિયમન, આમંત્રણ પત્રિકા, બેઠક વ્યવસ્થા, લાઈટ, પાણી, સ્વચ્છતા, રહેઠાણ વગેરે બાબતો અંગે ચર્ચા-વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી.
બેઠક બાદ ચીફ સેક્રેટરી પંકજ જોશી અને એમ.ડી. મુકેશપુરી, જિલ્લા કલેકટર એસ. કે. મોદી, CEO અમિત અરોરા, જિલ્લા પોલીસવડા, નાયબ વનસંરક્ષક અને વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ સ્થળ વિઝીટમાં જોડાયા હતા. જેમાં હેલીપેડ, પાર્કિંગ, એકતા પરેડ, ડેમ વ્યૂ પોઈન્ટ, વેલી ઓફ ફ્લાવર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવામાં આવી હતી.
