આમોદ, ભરૂચ
– તાલુકા પંચાયત હાય હાય,ભાજપ હાય હાય ના સુત્રોચ્ચાર કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચારને ગજવી મૂક્યો : કોંગ્રેસના ઉગ્ર વિરોધથી રાજકીય ગરમાવો જોવા મળ્યો
આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા આજરોજ તાલુકા પંચાયત કચરી સામે ભાજપના ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.કોંગ્રેસના આગેવાનોએ મનરેગા, શૌચાલય અને ‘નલ સે જલ’ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસી કાર્યકરોએ ‘ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ’ ના સુત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના સિમ્બોલ કમળને ઊંધું બતાવી ‘ભ્રષ્ટ કમળ’ તરીકે રજૂ કર્યું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન આમોદ પોલીસે કાર્યકરોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વિરોધ દરમ્યાન કાર્યકરોએ ચેતવણી આપી હતી કે જો ભ્રષ્ટાચારના મામલાઓમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને તાલુકા જ નહીં, પરંતુ આખું ભરૂચ ધ્રુજાવી દેશે. આમોદમાં કોંગ્રેસના ઉગ્ર વિરોધથી ભાજપના સ્થાનિક નેતાઓમાં હલચલ મચી ગઈ હતી અને રાજકીય ગરમાવો વધ્યો હતો.
