ભરૂચના કેલોદ ગામે ગેરકાયદેસર મોબાઈલ ટાવર મામલે તંત્ર અને ગ્રામજનો આમને-સામને – ટાવર નહીં હટાવવામાં આવે તો કેલોદમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

ભરૂચ,

ભરૂચ તાલુકાના કેલોદ ગામે ગ્રામ પંચાયતની પરવાનગી વગર ઊભા કરાયેલા મોબાઈલ ટાવરના બાંધકામનો વિવાદ હવે તંત્રની નિષ્ક્રિયતા અને ગ્રામજનોના આક્રોશ વચ્ચે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સ્થાનિક રહેવાસી નયનકુમાર પટેલની અરજી બાદ તંત્ર સક્રિય તો થયું છે પરંતુ ગ્રામજનોની માંગણી છે કે, તાત્કાલિક ટાવર હટાવી દેવામાં આવે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જાગૃત નાગરિકે તાલુકા પંચાયત કચેરીમાં અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું કે કેલોદના મોટા ફળિયા પાછળ આદિવાસી વિસ્તારમાં મોતીભાઈ મોહનભાઈ પટેલની માલિકીની મિલકત નંબર ૧૭૩ માં છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયતની પરવાનગી વગર મોબાઈલ ટાવરનું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. તંત્રના રિપોર્ટમાં પણ આ હકીકત સામે આવી છે કે, ઈન્ડસ ટાવર કંપનીએ પરવાનગી માટે અરજી કરી હતી. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી ન હોતી. આમ ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૧૦૪(૧) અને ૧૦૪(૨)નો સ્પષ્ટ ભંગ થયો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીને ૩૦ દિવસમાં કાર્યવાહી કરીને રિપોર્ટ મોકલવા આદેશ અપાયો છે. તો બીજી તરફ ગ્રામ પંચાયતે પણ મિલકત માલિક મોતીભાઈ પટેલને ૭ દિવસમાં આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ પાઠવી છે. પરંતુ ગ્રામજનોની સૌથી મોટી ચિંતા એ છે કે, જો કાયદાનો ભંગ સ્પષ્ટ જ છે તો આ એક વર્ષ દરમિયાન તંત્રએ શું કર્યું? લોકો આ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો એક વર્ષથી ટાવર ઊભો છે તો અત્યાર સુધી જવાબદાર અધિકારીઓ કેમ ઊંઘતા રહ્યા?

ગ્રામજનોનો મુખ્ય આક્રોશ માત્ર કાયદાના ભંગ પૂરતો સીમિત નથી પરંતુ ટાવરના રેડિયેશનથી થતા ગંભીર આરોગ્ય જોખમોને લઈને પણ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારમાં ટાવરના રેડિયેશનથી પશુ-પક્ષીઓ અને મનુષ્યોને ભારે નુકસાન થઈ રહ્યું છે. બાળકોમાં ખોડખાપણ, શ્વાસ અને હૃદયની બીમારીઓ, તેમજ લકવા જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે. ગ્રામજનો પૂછી રહ્યા છે કે, છેલ્લા એક વર્ષથી રેડિયેશનનો ભોગ બનેલા લોકોના સ્વાસ્થ્યનું નુકસાન કોણ ભરપાઈ કરશે? ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, જો ૩૦ દિવસની અંદર આ ગેરકાયદેસર ટાવર હટાવવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. ગ્રામજનોએ જણાવ્યું છે કે, આ આંદોલનની સંપૂર્ણ જવાબદારી લાગતા-વળગતા અધિકારીઓની રહેશે. આ ઘટના દર્શાવે છે કે જો તંત્ર સમયસર કાર્યવાહી ન કરે તો લોકોનો આક્રોશ કઈ હદે વધી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે કડક વલણ અપનાવે છે કે પછી ગ્રામજનોને આંદોલન કરવાની ફરજ પડે છે?

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!