ઝઘડિયા, ભરૂચ
– જીએમડીસી રોડ પર આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સહિત દર્દીઓ અને સ્થાનિકોને હાલાકિ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક વર્ષોથી જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ કાર્યરત છે. રાજપારડીના ઝઘડિયા તરફના ધોરીમાર્ગ પર આવેલ જીએમડીસી ફાટકથી જીએમડીસી વિસ્તારને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર બનતો દેખાય છે. આ માર્ગ પર આવેલ સિલિકા પ્લાન્ટ્સ સંબંધી વાહનો તેમજ જીએમડીસી સંબંધિત વાહનોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોઇ રાજપારડી જીએમડીસીને જોડતો માર્ગ તેના પરથી પસાર થતા વાહનોની સંખ્યા અને ક્ષમતાને અનુરૂપ બનાવવામાં આવે તોજ વધારે સમય ટકી શકે. વળી જીએમડીસી રોડ પર રાજપારડીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. બિસ્માર રસ્તાને લઇને દોડતા વાહનોથી ધુળ ઉડવાની સમસ્યા પેદા થાય છે તેના કારણે આ વિસ્તારના સ્થાનિક રહીશો ઉપરાંત સરકારી દવાખાનાના સ્ટાફ અને દર્દીઓએ પણ હાલાકિ ભોગવવી પડતી હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી આ માર્ગ અવારનવાર બિસ્માર બનવાની જે સમસ્યા ઉત્પન્ન થાય છે અને તેને લઇને વરસાદ હોય ત્યારે કિચ્ચડ અને ઉઘાડ હોય ત્યારે ધુળ ઉડવી જેવી સમસ્યા સર્જાતા માર્ગ લાંબો સમય ટકી શકે તે માટે તેના પરથી પસાર થતા વાહનોની સંખ્યા અને ક્ષમતાને અનુરૂપ બનાવાય તો તે પગલું સાચા અર્થમાં લોકો અને વાહનચાલકો માટે લાભદાઇ બની શકશે. ઉલ્લેખનીય છેકે જ્યારે રાજપારડીનું આરોગ્ય કેન્દ્ર જીએમડીસી રોડ પર બનાવાયેલું નહતું તે સમયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપારડીના માધવપુરા વિસ્તારમાં આવેલ સબ સેન્ટરના મકાનમાં હતું, અને તે સ્થળ દર્દીઓ માટે વધારે અનુકૂળ હતું તેવી વાતો પણ સ્થાનિક લોકોમાંથી જાણવા મળી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – પાવી જેતપુર, છોટાઉદેપુર





