ભરૂચ,
– નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં સભ્યોએ કર્યું રક્તદાન, અઢારમું શિબિર સફળતાપૂર્વક પૂર્ણ
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવા પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં રવિવારે નારાયણ હોસ્પિટલ ઝાડેશ્વર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સૌજન્યથી આયોજિત આ અઢારમું રક્તદાન શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ શિબિર દરમિયાન મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના સભ્યોએ ઉમંગ અને ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું. સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓએ પણ માનવ સેવા માટે આગળ આવીને રક્તદાન કર્યું, જેને કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે, રક્તદાનને “મહાદાન” ગણવામાં આવે છે, કારણ કે તે કોઈના જીવનને બચાવવામાં મદદરૂપ બને છે. અગ્રવાલ સમાજ હંમેશા સામાજિક સેવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં પણ આવી જ સેવા પ્રવૃતિઓ ચાલુ રાખશે. આ શિબિર દરમિયાન તબીબી નિષ્ણાતોની હાજરીમાં રક્તદાન પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થઈ હતી. દાતાઓને પ્રમાણપત્રો તેમજ આરોગ્ય તપાસની સુવિધા પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમાજના આગેવાનો અને તબીબી અધિકારીઓએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુને વધુ લોકો આ પ્રકારની સેવાભાવી પ્રવૃતિમાં જોડાય તેવી અપીલ કરી હતી.
