અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

અંકલેશ્વર, ભરૂચ

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધુ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા.

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલનું ઉત્પાદન સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 10થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભીષણ આગના પગલે નજીકમાં આવેલ સંજાલી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા આગના કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી આ બનાવવામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીમાં રહેલ ટોલ્વીનની બે પૈકી એક ટેન્કમાં આગ ફાટી નીકળી હતી ત્યારબાદ આગે સમગ્ર પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો. સાડા ત્રણ કલાકની જહેમત બાદ 10 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનાની અસર નજીકના સંજાલી ગામમાં પણ જોવા મળી હતી. સ્થાનિક રહેવાસી ઝકીરભાઈના જણાવ્યા મુજબ આ આગ એટલી ભયાનક હતી કે તેની અસર ખરોડ, ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી.લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. ઝાકીરભાઈએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અને તેનાથી મોટું નુકસાન થાય છે જેના કારણે આસપાસની ઘણી કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે. તેઓએ વધુમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો આ બેદરકારીને કારણે કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેમણે સત્તાવાળાઓને અપીલ કરી છે કે આ ગંભીર બાબત પર ખાસ ધ્યાન આપે અને આવી જીવલેણ અને હાનિકારક ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં સુધી નક્કર પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઘટનાઓ અટકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી ત્યારે અંકલેશ્વરમાં વધતા આગના બનાવો ચિંતાનું કારણ કહી શકાય.

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!