ખેડા,
– ખેતરોમાં પાણીના ભરાવાથી ડાંગર, તમાકુનો પાક કહોવાયો
– ખેડા- ધોળકા હાઈવે અવર- જવર માટે બંધ : રસિકપુરા, નાની કલોલી અને પથાપુરા ગામ સંપર્ક વિહોણા
ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી કિનારાના રસિકપુરા, નાની કલોલી અને પથાપુરા ગામોમાં ભયંકર પાણી ભરાયા છે જેના કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. પૂરના પાણી ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પર પણ ફરી વળતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પૂરને કારણે આ વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે અને સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ ગંભીર બની છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં છેલ્લા બે દિવસથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ખેડા તાલુકાના નદી કિનારાના સંખ્યાબંધ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એક લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડાના રસિકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં પાણી ઘૂસી ગયા છે. પૂરના કારણે નદીના આસપાસના ૧૦ – ૧૫ કિલોમીટરના વિસ્તારના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે જેના કારણે ડાંગર, તમાકુ સહિતના ખેતીના પાક કહોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
સાબરમતી નદીમાં આવેલા પૂરના કારણે ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે. ગઈકાલે સાંજે વહીવટી તંત્ર દ્વારા આ હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહન ચાલકો હાઈવે ઉપર આગળ ન જાય તે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા હાઈવે પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.