ભરૂચ,
શ્રીજી મહોત્સવને લઈને ભરૂચ શહેર અને જીલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ રહી છે.ત્યારે પાંચ અને સાત દિવસ માટે શ્રીજીની સ્થાપના કરતા હોય છે અને ત્યાર બાદ ભક્તિભાવ થી વિદાય આપતા હોય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ઊભો કરાયેલ કૃત્રિમ જળકુંડમાં બે દિવસમાં ૮૭૦ થી વધુ માટી અને પીઓપી ની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભાદરવા સુદ ૪ થી ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લોકો ભક્તિભાવ પૂર્વક શ્રીજીની આરાધના કરી પૂજન અર્ચન કરી રહ્યા છે. શેરી, મહોલ્લા, સોસાયટી અને ઘરે ઘરે વિવિધ થીમ અને ડેકોરેશન આધારી માટી અને પીઓપીની નાની અને મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. કેટલાક ભક્તો ૩,૫,૭ અને ૧૦ દિવસ શ્રીજીની ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કરતા હોય છે. શ્રીજીનું ભક્તો ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરી શકે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના જે બી મોદી પાર્ક નજીક કુત્રિમ જળકુંડ ઉભો કરવામાં આવ્યો હતો અને શ્રીજીના વિસર્જનમાં કોઈ અગવડતા ન પડે તે માટે વિવિધ સુવિધા કરવામાં આવી હતી.
ભક્તો દ્વારા ૫ દિવસ શ્રીજીની પૂજા અર્ચના કરી વિદાય આપવામાં આવી હતી જેમાં માટીની ૩૪૩ તેમજ પીઓપી ની ૩૦૪ મળી કુલ ૬૪૭ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું તો ૭ માં દિવસે માટીની ૯૧ તેમજ પીઓપી ની ૧૬૪ મળી કુલ ૨૫૨ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવતા બંને દિવસ ના અંતે માટી અને પીઓપીની કુલ ૮૭૨ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ ૧૦ દિવસે શ્રીજીનું વિસર્જન કરતા ભક્તો વિસર્જન કરી શકે તે માટે જે બી મોદી પાર્ક નજીક અન્ય એક મોટો કુત્રિમ જળકુંડ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીનું વિસર્જન કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે કુત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયેલ તમામ શ્રીજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવનાર છે.





