બોડેલી, છોટાઉદેપુર
– ૨૦૨૨માં બોડેલી બસ સ્ટેન્ડ નજીક બનેલો ચકચારી બનાવ, ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીનું અપહરણ કરી જંગલમાં લઇ જઇ બળાત્કાર ગુજારનાર યુવાનને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા
જાંબુઘોડા તાલુકાના એક ગામમાં રહેતી અને બોડેલીની શાળામાં અભ્યાસ કરતી પંદર વર્ષની ધોરણ-૧૦માં ભણતી વિદ્યાર્થિનીને બોડેલી બસ સ્ટેન્ડ નજીકથી ધાકધમકી આપી પોતાની મોટર સાયકલ ઉપર બેસાડી જંગલમાં લઇ તેની સાથે પાશવી બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા તેના જ ગામના ૨૦ વર્ષના યુવાનને બોડેલીની પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારી ભોગ બનનાર વિદ્યાર્થિનીને ચાર લાખનું વળતર ચુકવવાનો અદાલતે હુકમ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુઘોડા તાલુકાના એક ગામમાં રહેતી પંદર વર્ષની કિશોરી અભ્યાસ માટે બોડેલીની એક શાળામાં જતી હતી. તેના જ ગામનો સચિન શાંતિલાલ બારિયા (૨૦) તેને છેલ્લા બે વર્ષથી પરેશાન કરતો હતો જેના કારણે વિદ્યાર્થિની નજીકના ગામમાં રહેતા પોતાના કાકાના ઘરે રહેવા માટે જતી રહી હતી અને ત્યાં રહી અભ્યાસ કરતી હતી તેમ છતાં સચિન બારિયાએ તેનો પીછો છોડયો ના હતો. ગત ૨૫મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બપોરના સાડા બાર વાગે તે બોડેલી બસ સ્ટેન્ડ ખાતે બસની રાહ જોતી હતી ત્યારે સચિન બારિયા ત્યાં આવ્યો હતો અને તેણે વિદ્યાર્થિનીના ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી તેણીને બળજબરીપૂર્વક પોતાની મોટર સાયકલ ઉપર બેસાડી દીધી હતી. સચિન તેને ડુમા ગામે લઈ ગયો હતો અને તેને ડેરિયા ટેકરીના જંગલમાં લઈ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને અલીપુરા એક મોબાઈલ શોપ નજીક ઉતારી ભાગી છુટયો હતો.
બાળકીએ રડતા રડતા પોતાની સાથે બનેલી ઘટનાની વિગતો જણાવતા તેની માતાએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી સચિન બારિયાની ધરપકડ કરી મેડિકલ સહિતના પુરાવા એકત્ર કરી બોડેલીના પોક્સો જ્જની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સરકારી વકીલ આર એસ પરમાર અને બચાવ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોને સ્પેશ્યલ પોક્સો જજ સાગર પ્રેમશંકરે ગ્રાહ્ય રાખી આરોપીને વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૩૫,૦૦૦નો દંડ તથા ભોગ બનનારને ચાર લાખનું વળતર ચુક્વવા હુકમ કર્યો હતો.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : બિલાલ ખત્રી – બોડેલી, છોટાઉદેપુર




