ભરૂચ,
ભરૂચની ઓળખ સમી ખારીસિંગથી બળેલી ખો યુવક મંડળ દ્વારા અનોખી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે જેમાં નજીવા ખર્ચે ૧૧ ફૂટ ઊંચી મત્સ્ય અવતારની પ્રતિમા બનાવી પર્યાવરણ બચાવોના સંદેશ આપવા સાથે જળચર જીવોની પણ ચિંતા કરવામાં આવી છે.
ભરૂચના હાજીખાના વિસ્તારમાં આવેલ બળેલી ખો યુવક મંડળ છેલ્લા ૧૪ વર્ષથી ઈકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ નિર્માણ કરી આગવું સ્થાન ધરાવે છે. દર વર્ષે અલગ થીમ સાથે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતી પર્યાવરણ બચાવોનો સંદેશ આપવા સાથે જળચરોની પણ ચિંતા કરી રહ્યા છે. આ ગણેશ મંડળની ટીમે આ વર્ષે શહેરની ઓળખ અને પરંપરા દર્શાવવા ખારી સિંગનો ઉપયોગ કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ નવીન પહેલથી મંડળે ભરૂચની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરી છે સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો સંદેશો પણ આપ્યો છે.
ભરૂચના બળેલી ખો યુવક મંડળે અનોખી પહેલ કરી છે. ભરૂચ શહેરની ઓળખ બની ગયેલી પ્રખ્યાત ખારી સિંગથી ગણેશજીની અનોખી મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિની ખાસિયતો નજર ખેંચે એવી છે જેમાં ૧૭ કિલો ખારીસિંગનો ઉપયોગ કરી ૧૧ ફૂટ ઊંચાઈ અને લગભગ ૮૦ કિલો વજન ધરાવતી આ વિશિષ્ટ મૂર્તિ કાગળ અને લાકડાની સહાયથી અંદાજીત ૭ હજારના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.




