વાગરા, ભરૂચ
– ખેતરોની ફળદ્રુપતા જોખમમાં : ઉદ્યોગકારોની બેફામ બેદરકારી
વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયખા અને વિલાયત GIDCના બેફામ ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના કરૂણ મોત થયા છે. આ પ્રદૂષિત પાણી આસપાસના કોઠીયા ગામના ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે કારણ કે આ કેમિકલ ખેતીની ફળદ્રુપતાને નષ્ટ કરી શકે છે. સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે. તેમનો આક્ષેપ છે કે તંત્રની મિલીભગત અથવા નિષ્ક્રિયતાને કારણે જ ઉદ્યોગકારો આવી બેફામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ભૂખી ખાડી વિલાયતથી ભેંસલી સુધી લગભગ ૧૫ કિલોમીટરના વિસ્તારમાં પ્રદૂષિત થઈ ગઈ છે. આ ઘટનાથી માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ સ્થાનિક ખેડૂતોની આજીવિકાને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે. જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક અને સખત પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જનઆંદોલન અને કંપનીઓને તાળાબંધી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. આ ઘટના પર્યાવરણની સુરક્ષાના દાવાઓની પોકળતા છતી કરે છે અને તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે. શું પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ છે? શું તંત્ર કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જેવા અનેક સવાલો નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે.





