ઢોર ડબ્બાના રીપેરિંગ પાછળ પાલિકાના ૪ લાખના આંધણ વચ્ચે આમોદમાં રખડતાં ઢોરોનો ત્રાસ

Picture of The News Wave

The News Wave

FOLLOW US:

SHARE:

આમોદ, ભરૂચ

– આમોદમાં રખડતાં ઢોરે આધેડને અડફેટમાં લેતાં માથામાં અને પગમાં ઇજા પહોંચી

આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. આમોદમાં રખડતી ગાયે એક આધેડને અડફેટમાં લેતાં તેમને ઈજાઓ થઈ હતી ત્યારે નગરજનોમાં રખડતા ઢોરનો ભય વધી જવા પામ્યો છે. રખડતા ઢોરના ત્રાસ મુદ્દે મીડિયામાં સમાચાર પ્રસિધ્ધ થયા હતા.છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે મુખ્ય અધિકારીને નગરજનોએ મૌખિક રજૂઆત કરી હતી પરંતુ મુખ્ય અધિકારી પોતાની એ.સી.ચેમ્બર માંથી બહાર નિકળતા નથી.

આમોદમાં જનતા ચોક વિસ્તારમાં રહેતા મુકેશભાઈ દરજી નામના આધેડને રખડતી ગાયે ત્રણ વાર ભેટી મારી લોહીલુહાણ કરી દીધા હતા જેમને સ્થાનિક યુવાનોએ ગાયના વધુ મારથી બચાવી લીધા હતા અને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મુકેશભાઈ દરજીને પગમાં તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાલિકાની બેદરકારીથી નગરજનોમાં રખડતા ઢોરોનો ભય વધી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટેની કોઈપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી તેમ છતાં પણ આમોદ નગરપાલિકાએ ઢોર ડબ્બો રીપેરીંગ કરી ૪ લાખનું આંધણ કર્યુ હતું જે પાલિકા શાસકોનો અણઘડ વહીવટ છતો કરે છે. હાલમાં રખડતા ઢોર લોકોને ઈજા પહોંચાડી રહ્યા છે ત્યારે પાલિકા રખડતા ઢોરને પકડી વહેલી તકે પાંજરે પૂરે આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

આમોદ નગરમાં મુખ્ય બજારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. સવારે તેમજ સાંજના સમયે શાકભાજી તેમજ ફ્રુટની લારી પરથી રખડતા ઢોર શાકભાજી તેમજ ફળો ખાઈ જાય છે. આ ઉપરાંત બજાર માંથી ખરીદી કરી જતી મહિલાઓના હાથની થેલી પણ ઝૂંટવી લેવાના બનાવો બન્યા છે ત્યારે પાલિકા વહેલી તકે રખડતા ઢોરને પૂરવાનું આયોજન કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

 

The News Wave
Author: The News Wave

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!