ભરૂચ,
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ “ગાદી છોડ” ના સૂત્રો સાથે મસાલે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્ટેશન રોડ સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈને ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે સ્ટેશન સુધી યોજવાનો આયોજન હતો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ની અધ્યક્ષતામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, યુવા નેતા શેરખાન પઠાણ, અંકલેશ્વર-હાસોટ પ્રમુખ શરીફ કાનુગા સહિત જિલ્લાના અનેક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલી દરમિયાન સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઇને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલી સ્ટેશન રોડ પરથી આગળ વધીને સિટી સેન્ટર પહોંચતા જ ભરૂચ પોલીસે સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેને અટકાવી દીધી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 22 થી વધુ કોંગ્રેસ કાર્યકરોને અટકાયત કરીને તેમને પોલીસ વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે તેઓનો આ વિરોધ પ્રદર્શન લોકહિત માટે અને જનસમસ્યાઓને અવાજ આપવા માટે હતો, જ્યારે પોલીસના પગલાંને તેઓએ લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો.


