કાલોલ,
કાલોલ તાલુકાના ભૂખી ગામમાં રક્ષાબંધનના દિવસે પૈસાની લેતી-દેતીને લઈને હિંસક ઘટના સામે આવી છે. મહેન્દ્રસિંહ જાદવે ચાર વર્ષ પહેલા દિનેશસિંહ જાદવને 25,000 રૂપિયા ઉધાર આપ્યા હતા. દિનેશસિંહના મૃત્યુ બાદ તેમની વિધવા પત્ની ભાવનાબેન અને પુત્ર જયેન્દ્રસિંહ પાસેથી વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી. 9 ઓગસ્ટના રોજ સાંજે મહેન્દ્રસિંહ પૈસા લેવા દિનેશસિંહના ઘરે ગયા હતા ત્યાં ભાવનાબેન અને જયેન્દ્રસિંહે તેમની સાથે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન પાડોશી મનુભાઈ ઉદેસિંહ જાદવ પણ ત્યાં આવી ગયા અને મહેન્દ્રસિંહને મારવા લાગ્યા હતા.
ઘટના દરમિયાન જયેન્દ્રસિંહે લોખંડની પાઈપ વડે મહેન્દ્રસિંહની જમણી આંખ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ મહેન્દ્રસિંહને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત મહેન્દ્રસિંહને 108 એમ્બ્યુલન્સ મારફતે નાગોધરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભાનુબેન જાદવે તેમના પતિ પર હુમલો કરનાર ભાવનાબેન, જયેન્દ્રસિંહ અને મનુભાઈ વિરુદ્ધ કાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : કિરણકુમાર કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ





