પંચમહાલ,
કાલોલ નગરમાં નદીના પટ પર આવેલું દોલતપુરા ગામે રવિવારે રાત્રે વિજિલન્સના મહિલા પોલીસ અધિકારી દ્વારા દોલતપુરા ગામમાં છાપો માર્યો હતો જેમાં જુગાર રમતા ભાજપના બે ચૂંટાયેલ કોર્પોરેટર આશિષ સુથાર અને અર્જુન રાઠોડ સહીત 27 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. આ બનાવને પગલે જ્યારે આ જુગારીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે લોકોના ટોળા ઊંટયા હતા. આ જુગારીઓને પીકપ વાન મારફતે દોલતપુરાથી કાલોલ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. સ્થળ પર કુલ 40 જેટલા ઈસમો શ્રાવણીયો જુગાર રમી રહ્યા હતા, જેમાંથી 13 જેટલા ઈસમો પોતાની બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા.
વિજિલન્સ સેલે આ કાર્યવાહીમાં 23 બાઇક, 1.82 લાખ રૂપિયા રોકડા અને 24 મોબાઈલ ફોન મળી કુલ 7.48 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જુગારધામ કાલોલના દોલતપુરા વિસ્તારમાં એક મકાનના આગળના ભાગમાં ચાલતું હતું. કાલોલના નામચીન જુગારીઓ આ સ્થળે ભેગા થઈને શ્રાવણીયો જુગાર રમી રહ્યા હતા. સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ભાજપના બે કોર્પોરેટરની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે.
ધ ન્યૂઝ વેવ રિપોર્ટર : યાત્રીકભાઈ કોન્ટ્રાક્ટર – કાલોલ, પંચમહાલ





