ભરૂચ,
– ત્રણેક દિવસ અગાઉ મૃતક માંડવા ખાતે તેના ઘેરથી મોટરસાયકલ લઈને નીકળ્યો હતો -ત્યાર બાદ તે ઘરે પાછો ન ફરતા અંકલેશ્વર પોલીસમાં ગુમ થયા બાબતે જાણ કરાઈ હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઈને લોકો ચિંતિત બન્યા છે ત્યારે હાલમાં એક મોટર સાયકલ સ્લિપ મારવાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ અંકલેશ્વરના માંડવા ખાતે રહેતો હસમુખ નગીન પટેલ નામનો ૩૫ વર્ષીય યુવક ગત તા.૮ મીના રોજ રાતના બાર વાગ્યાના અરસામાં મોટર સાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો, ત્યાર બાદ તે ઘરે પાછો ન ફરતા અંકલેશ્વર પોલીસમાં તેના ગુમ થયા અંગે જાણવાજોગ ફરિયાદ આપવામાં આવી હતી. ગતરોજ તા.૧૦ મીના રોજ તેના પરિવારજનોને જાણ થઈ હતી કે હસમુખની મોટર સાયકલ ઝઘડિયાના ગોવાલી ગામ નજીક સ્લિપ મારી જતા ગંભીર રીતે જખ્મી થયેલ યુવક હસમુખ પટેલને સારવાર માટે કોઈ રાહદારીએ બોલાવેલ એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજેલ હતું. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના ભાઈ મેહુલ પટેલ રહે.ગામ માંડવા તા.અંકલેશ્વરનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.




