આમોદ,
આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે આત્મવિલોપનની ચીમકી આપતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૈલેશ મોદી નામના સિવિલ એન્જિનિયર અને લાંબા સમયથી નગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટરે આક્ષેપ કર્યો છે કે પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે. તેમના મુજબ, ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. મૈલેશ મોદીએ આક્ષેપોના પુરાવા તરીકે વિડિયો અને દસ્તાવેજો હોવાનો દાવો કર્યો છે.
કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું કે, 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિના થી અટક્યું છે. ચુકવણી અટકવાથી તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. તેમની એક દીકરી લગ્નિત છે, બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે. સારવારના ખર્ચ અને લેણદારોના દબાણ વચ્ચે તેમણે 15 ઑગસ્ટે સવારે 9:30 વાગ્યે નગરપાલિકા કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે, કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પીએફ ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે. પ્રમુખે વધુમાં ઉમેર્યું કે બીજાં કોન્ટ્રાક્ટરોએ ક્યારેય ટકાવારી અંગે ફરિયાદ કરી નથી, તેમ છતાં આ મુદ્દે તમામ કોન્ટ્રાક્ટર પાસેથી માહિતી મેળવી તપાસ કરવામાં આવશે.





