રાજપીપળા,
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે મહિલા સરપંચના પતિ દ્વારા વિકાસના કામો પોતાના અંગત હિત માટે કરવામાં આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનો મુદ્દો હાલ ચર્ચામાં છે. રસેલા ગામના રહેવાસીઓનો આરોપ છે કે આજ સુધી ગામના હિતમાં કોઈ કામ થયું નથી. ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમની સમગ્ર કામગીરી તેમના પતિ કરે છે. કોઈ તેમની સામે અવાજ ઉઠાવે તો તેમની સાથે ઘર્ષણ કરવામાં આવે છે.
ગામના ભાર્ગવી દિનેશ વસાવાએ જણાવ્યું કે આજ સુધી ગામમાં કોઈ રસ્તો કે લાઇટની સુવિધા આવી નથી. તેમણે કહ્યું અમારી પાસેથી બધા જરૂરી કાગળિયા લઈ ગયા કે સંડાસ બનાવવામાં આવશે પણ આજ સુધી બનાવવામાં આવ્યું નથી. મનરેગાના કે અન્ય કોઈ પૈસા મળ્યા નથી. નાના બાળકોને ભણવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે.
દિનેશ કાનજી વસાવાએ આરોપ મૂક્યો કે ગામના સરપંચ મહિલા છે પણ વહીવટ તેમના પતિ શૈલેશ બુધિયા વસાવા કરે છે. તેમણે ઉમેર્યું આ બાબતે અમે ટીડીઓને જાણ કરી છે પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે મનરેગામાં મોટું કૌભાંડ થયું છે. એક જ મહિનામાં આઠ લાખ રૂપિયાનું કૌભાંડ થયાનો આરોપ છે. ગ્રામજનોએ ટીડીઓ, ડીડીઓ અને કલેક્ટરને ત્રણ-ચાર અરજીઓ આપી છે.
ગ્રામજનોના આરોપ મુજબ સરપંચે પોતાના અંગત ઉપયોગ માટે પાણીના બોર, સંરક્ષણ દીવાલ અને ચેક ડેમ જેવા કામો કરાવ્યા છે, મનરેગા હેઠળ કોઈ કામ થયું નથી.
આ આરોપો અંગે સરપંચ ભાવિકાબેને જણાવ્યું કે તેમણે તાલુકામાંથી બોર અને સંરક્ષણ દીવાલ માટે મંજૂરી મેળવી છે. તેમણે 120 જેટલા મનરેગા જોબ કાર્ડ બનાવ્યા છે, પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ કામગીરી બંધ છે. તેમણે જાતે કબૂલ્યું કે આ બધું મેં મારા અંગત ઉપયોગ માટે કરેલ છે.
આ બાબતે નાંદોદ તાલુકા વિકાસ અધિકારી એફ એમ પઠાણ જણાવ્યું કે આ બાબતે રજૂઆત આવી છે. અમે ટીમ બનાવીને તપાસના આદેશ આપ્યા છે. પણ આ તપાસને પણ એક મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.





