ગોધરા,
રક્ષાબંધન અને બળેવના પવિત્ર તહેવાર નિમિત્તે ગોધરા શહેરના બ્રહ્મ સમાજ એકમ દ્વારા સમૂહ યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમસ્ત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરના હોલમાં ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ છેલ્લા 21 વર્ષથી નિયમિત રીતે યોજાઈ રહ્યો છે. કાર્યક્રમમાં પ્રકાશભાઈ દીક્ષિત, કકુલભાઈ પાઠક, હિતેશ ભટ્ટ, કુણાલભાઈ ત્રિવેદી, શ્યામ સુંદર શર્મા, વિનાયક શુક્લ, જવાહરભાઈ ત્રિવેદી, દત્તુભાઈ પુરોહિત, જેપી ત્રિવેદી સહિત વિવિધ સમાજના ભૂદેવો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમમાં 65થી વધુ બ્રહ્મબંધુઓએ સામૂહિક વેદ મંત્રોચ્ચાર કરી, વિશ્વ કલ્યાણની ભાવના સાથે સમગ્ર દેવી-દેવતા અને ઋષિ-મુનિઓની પૂજા-અર્ચના કરી પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં મોટેરાઓથી લઈને બાળકો સુધી સૌએ યજ્ઞોપવિત બદલી હતી.
મુકેશભાઈ પંડ્યા અને તેમના પરિવારના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સનાતન ધર્મની સ્થાપના થાય અને દેશ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞોપવિત પરિવર્તનના આ કાર્યક્રમ બાદ એકમ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન અને બળેવનો પવિત્ર તહેવાર. આ દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે, તો બ્રાહ્મણ બંધુઓ પણ આ જ દિવસે પોતાની યજ્ઞોપવિત બદલે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આ પરંપરા દર વર્ષે સામૂહિક રીતે ઉજવાય છે.
ધ ન્યૂઝ વેવ બ્યુરો ચીફ : રમેશકુમાર કોન્ટ્રાક્ટર – ગોધરા, પંચમહાલ




